કુવાડવા પોલીસે બુટલેગરને મોરે મોરો આપી બે ગાડીમાંથી ૬.33 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડયો
ગુંદા અને રફાળા ગામ નજીક કાર્યવાહી : ફાળદંગ અને રાજકોટના શખ્સની અટકાયત : ૧૮ લાખનો મુદામાલ જપ્ત
અગ્ર ગુજરાત, રાજકોટ
કુવાડવા રોડ પોલીસની ટીમે દારૂ જૂગારની પ્રવૃતિ ડામવા પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીને આધારે ગુંદા ગામના પાટીયા પાસે બૂટલેગરની દારૂ ભરેલી કાર સાથે મોરેમોરો દઇ દારૂના જથ્થા સાથે બે શખ્સને પકડી લીધા હતાં. પુછતાછમાં આ દારૂ નજીકના ફાળદંગ ગામેથી ભરી આવ્યાનું આ બંનેએ કબુલતાં ત્યાં પણ પોલીસ પહોંચી હતી અને બીજો દારૂ ભરેલી કાર પકડી હતી. જો કે ફાળદંગનો એક બુટલેગર અને સાગ્રીત ભાગી ગયા હતાં. ૬ લાખની વધુનો દારૂ મળી કુલ ૧૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. પોલીસમેને દારૂ પકડવા માટે બૂટલેગરની કારની સામે જ પોતાની કાર અથડાવી દીધી હતી અને તેને આંતરી લીધી હતી. આ કારણે ડી. સ્ટાફના પોલીસમેનની કારમાં ભારે નુકસાની થઇ હતી. સદ્દનસીબે કોઇને ઇજા પહોંચી નહોતી.
જાણવા મળ્યા મુજબ કુવાડવા ડી. સ્ટાફની ટીમ નવનિયુકત પીઆઇ એ. એન. જાનીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. ભાવેશભાઇ મુળુભાઇ મકવાણા, કુશલભાઇ જોષી અને જયદિપભાઇ ધોળકીયાને બાતમી મળી હતી કે ગુંદા ગામના પાટીયાથી ગુંદાના રોડ પર સફેદ રંગની હુન્ડાઇ વેન્યુ કાર જીજે૦૩એલજી-૫૫૬૫ દારૂ ભરીને નીકળવાની છે. આ બાતમી પરથી પોલીસની ટીમ પોતાની કાર સાથે વોચ રાખીને ઉભી હતી ત્યારે સામેથી બાતમી મુજબની કાર આવતી દેખાતા જ પોલીસ ટીમ એક્શનમાં આવી ગઇ હતી. ઇશારો કરવા છતાં ચાલકે કાર ધીમી ન પાડતાં પોલીસે તેની કાર સાથે પોતાની કાર અથડાવી દીધી હતી અને આંતરી લીધી હતી.
વેન્યુ કારમાં તપાસ કરતાં અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ કારમાં બે શખ્સો બેઠા હોઇ પુછતાછમાં પોતાના નામ જયરાજ ધીરૂભાઇ વાળા (ઉ.વ.૨૧-રહે. ફાળદંગ તા. રાજકોટ) અને વત્સલ જીતુભાઇ વેકરીયા (ઉ.વ.૨૧-રહે. કોઠારીયા રોડ ન્યુ કેદાર ોસાયટી, નંદા હોલ પાસે) જણાવ્યા હતાં. આ બંનેને પુછતાછ થતાં દારૂ ફાળદંગના બુટલેગર શીવરાજ ધીરૂભાઇ વાળાએ ભરી દીધાનું અને ફાળદંગમાં તે હજુ એક કાર સાથે હોવાનું કબુલતાં ટીમ તુરત જ ફાળદંગ ગામે પહોંચી હતી. જો કે અહિ શીવરાજ અને સાથેનો રીન્કેશ બરવાડીયા સ્કોડા કાર જીજે૧૩સીડી-૫૫૫૪ મુકી ભાગી ગયા હતાં. પોલીસને બંને કારમાંથી ૬ લાખથી વધુનો દારૂ મળ્યો હતો.
જેમાં વ્હીસ્કીના રૂા. ૫,૩૩,૫૨૦ના ૨૧૬૦ ચપલા, જામનુ વોડકાના રૂા. ૩૪ હજારના ૪૨૫ ચપલા, અન્ય વોડકાના ચપલા રૂા. ૨૪૦૦૦ના ૧૯૨ નંગ તેમજ જામુન વોડકાની રૂા. ૧૪૫૬૦ની ૫૬ બોટલો મળી આવી હતી. દારૂ, બે કાર, ચાર મોબાઇલ ફોન મળી કુલ રૂા. ૧૮,૦૬,૦૮૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. પોલીસ કમિશરનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચેૈતન્ય મંડલીક, ડીસીપી હેતલ પટેલ, એસીપી વી. બી. જાડેજાની સુચના અંતર્ગત પીઆઇ એ. એન. જાની, પીએસઆઇ એમ. આર. મકવાણા, એએસઆઇ ખોડુભા જાડેજા, કોન્સ. કુશલભાઇ જોષી, જયદીપભાઇ ધોળકીયા, ભાવેશભાઇ મકવાણા, અરવિંદસિંહ ગોહિલ, મેહુલસિંહ ચુડાસમા, પીન્ટુભાઇ હીરપરા, ભરતભાઇ ઘેડની ટીમે આ કામગીરી કરી હતી. જેના નામ ખુલ્યા છે તે શીવરાજ અને રીન્કેશની શોધખોળ યથાવત રાખી છે.


