બાળકનો કિશોરાવસ્થા સુધીનો સ્વાસ્થ્ય રિપોર્ટ એક કલીકમાં મળશે
ગુજરાત સરકાર દ્વારા હેલ્થ પાસપોર્ટ લોન્ચ કરાયું : જન્મથી લઇ ૧૮ વર્ષ સુધીની સંપૂર્ણ સ્વાસ્થય યાત્રાનો એક પાક્કો દસ્તાવેજ બનશે : રેગ્યુલર રૂટીન ચેકઅપ, સારવાર કે ફોલો-અપ સરળતાથી ઉપયોગ કરી શકાશે
અગ્ર ગુજરાત, ગાંધીનગર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવારનવાર એ વાત પર ભાર મૂકે છે કે ‘સ્વસ્થ ભારત’નો મજબૂત પાયો ‘સ્વસ્થ બાળપણ’ પર જ નાખી શકાય છે. પીએમ મોદીના(Gujarat Health Passport)આ વિઝનને જમીન પર ઉતારવા અને ‘વિકસિત ભારત’ના સપનાને સાકાર કરવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર બાળકો અને કિશોર-કિશોરીઓની હેલ્થકેર સુવિધાઓને વધુ સ્માર્ટ, સસ્ટેનેબલ અને ફેમિલી તથા ચાઈલ્ડ ફ્રેન્ડલી બનાવવા માટે ‘હેલ્થ પાસપોર્ટ’ નો કોન્સેપ્ટ લાવી છે.
સ્કૂલ હેલ્થ – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (SH-RBSK) હેઠળ હવે ગુજરાતમાં જન્મથી લઈને 18 વર્ષ સુધીના દરેક બાળકનો પોતાનો એક હેલ્થ પાસપોર્ટ હશે. આ માત્ર કોઈ સામાન્ય હેલ્થ કાર્ડ નથી, પરંતુ બાળકની જન્મથી લઈને કિશોરાવસ્થા સુધીની સંપૂર્ણ સ્વાસ્થ્ય યાત્રાનો એક પાક્કો દસ્તાવેજ હશે. ઉલ્લેખનીય છે કે આ રાજ્યવ્યાપી કાર્યક્રમની શરૂઆત 27 જૂન 2026 ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવી છે.
ગુજરાતમાં SH-RBSK હેઠળ દર વર્ષે લગભગ 1.89 કરોડ બાળકોનું હેલ્થ ચેકઅપ 992 મોબાઈલ હેલ્થ ટીમો દ્વારા કરવામાં આવે છે. હાલમાં આ ચેકઅપનો રેકોર્ડ ડિજિટલ પોર્ટલ પર તો ઉપલબ્ધ છે, પરંતુ માતા-પિતા કે બાળકો પાસે એવો કોઈ હેન્ડી ડોક્યુમેન્ટ (હાથવગો દસ્તાવેજ) નથી હોતો, જેનો તેઓ રેગ્યુલર રૂટીન ચેકઅપ, સારવાર કે ફોલો-અપ માટે સરળતાથી ઉપયોગ કરી શકે. પ્રસ્તાવિત ‘હેલ્થ પાસપોર્ટ’ આ જ ખામીને દૂર કરશે અને બાળકોના મેડિકલ રેકોર્ડ્સને એક સિસ્ટમેટિક અને સરળ ફોર્મેટમાં રજૂ કરશે.
સ્ક્રીનિંગ સ્થળ પર જ મળશે પાસપોર્ટ
વાલીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને આ પ્રક્રિયાને ખૂબ જ સરળ રાખવામાં આવી છે:
- કોઈ વધારાના દસ્તાવેજ નહીં: બાળકોનો ‘હેલ્થ પાસપોર્ટ’ બનાવવા માટે માતા-પિતાએ કોઈ વધારાના દસ્તાવેજો જમા કરાવવાની જરૂર નહીં પડે.
- સ્થળ પર જ વિતરણ: SH-RBSK ની મોબાઈલ હેલ્થ ટીમો દ્વારા આંગણવાડી, સ્કૂલ, મદરેસા, ગુરુકુળ અને સ્પેશિયલ સ્કૂલોમાં બાળકોનું હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવશે. સ્ક્રીનિંગ અને ડિજિટલ પ્લેટફોર્મ પર ડેટા એન્ટ્રી પછી બાળકોને આ હેલ્થ પાસપોર્ટ ત્યાં જ આપી દેવામાં આવશે.
- સરળ રિન્યુઅલ પ્રક્રિયા: 5 વર્ષ સુધીના બાળકો અથવા સ્કૂલે ન જતા બાળકોના હેલ્થ પાસપોર્ટને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ના મેડિકલ ઓફિસર (MO) દ્વારા દર વર્ષે રિન્યૂ કરવામાં આવશે. જ્યારે, શાળાના વિદ્યાર્થીઓ માટે આ જવાબદારી શાળાના આચાર્ય નિભાવશે.
હેલ્થ હિસ્ટ્રીનો ‘ઇન્ટિગ્રેટેડ રેકોર્ડ’
આ હેલ્થ પાસપોર્ટ દરેક બાળકની પર્સનલ મેડિકલ હિસ્ટ્રીનો એક માસ્ટર ડોક્યુમેન્ટ હશે. તેમાં નીચે મુજબની માહિતી સામેલ હશે:
- બાળકની બેઝિક ડિટેલ્સ સાથે જન્મથી લઈને 18 વર્ષ સુધીના ઉંમર મુજબના હેલ્થ ચેકઅપનો પૂરો રેકોર્ડ.
- SH-RBSK હેઠળ ફોકસ કરવામાં આવતી ચાર મુખ્ય કેટેગરીઝ (4D): જન્મજાત ખામીઓ (Defects), બીમારીઓ (Diseases), પોષણની ઉણપ (Deficiencies) અને વિકાસમાં વિલંબ અથવા વિકલાંગતા (Developmental delays) નું સંપૂર્ણ અપડેટ.
- બાળકની શારીરિક-માનસિક વૃદ્ધિ અને વિકાસ, પોષણનું સ્તર, રેફરલ સર્વિસ.
- પોષણ અને સ્વાસ્થ્ય સંબંધિત ટિપ્સ, લાઇફસ્ટાઇલ એડવાઇસ અને ઇમરજન્સી હેલ્પલાઇન નંબર.
ફિઝિકલ હેલ્થ પાસપોર્ટ ખોવાઈ જાય તો?
જો કોઈ કારણસર ફિઝિકલ હેલ્થ પાસપોર્ટ ખોવાઈ જાય અથવા ખરાબ થઈ જાય, તો નવો હેલ્થ પાસપોર્ટ મોબાઈલ હેલ્થ ટીમ દ્વારા મેળવી શકાશે. ગુજરાત સરકાર દ્વારા બાળકો માટે લાવવામાં આવી રહેલા આ હેલ્થ પાસપોર્ટનો હેતુ માત્ર મેડિકલ ફાઇલો તૈયાર કરવાનો નથી, પરંતુ માતા-પિતાને બાળકોના હેલ્થ મેનેજમેન્ટમાં એક એક્ટિવ પાર્ટનર બનાવવાનો છે. આનાથી બાળકો, વાલીઓ અને હેલ્થકેર સિસ્ટમ વચ્ચે એક મજબૂત બોન્ડ બનશે.


