ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી ભરતીનું છ માસિક કેલેન્ડર જાહેર
AAE, MPHW, જુનિયર-સિનિયર અને હેડ કલાર્ક સહિત વિવિધ પદો પર કરાશે ભરતી : મુખ્ય પરીક્ષાની તારીખો પણ આપી દેવાઇ
અગ્ર ગુજરાત, ગાંધીનગર
ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાનું સપનું જોતા લાખો યુવાનો માટે સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા જુલાઈથી ડિસેમ્બર-2026 સુધીના આગામી 6 મહિનાનું સત્તાવાર પરીક્ષા કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે. આ કેલેન્ડરમાં CCE ગ્રુપ-A અને ગ્રુપ-B, સર્વેયર, MPHW, FHW, કમ્પાઉન્ડર, લેબ આસિસ્ટન્ટ અને જુનિયર ક્લાર્ક સહિતના અનેક મહત્વના સંવર્ગોની પરીક્ષાઓની સંભવિત તારીખો અને માસ જાહેર કરાયા છે, જે ઉમેદવારો માટે એક સચોટ માર્ગદર્શક સાબિત થશે.
ઉમેદવારો પોતાની લાંબાગાળાની વ્યુહરચના બનાવી શકે તે માટે મંડળે અત્યારથી જ મુખ્ય પરીક્ષા (Mains Exam) નો સમયગાળો પણ સ્પષ્ટ કરી દીધો છે. કેલેન્ડર મુજબ, ડિસેમ્બરની પ્રિલિમ્સ બાદ ગ્રુપ-A નું મુખ્ય પરીક્ષણ માર્ચ-2027માં અને ગ્રુપ-B નું મુખ્ય પરીક્ષણ મે-2027માં યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.
પસંદગી મંડળે પરિપત્રમાં સ્પષ્ટતા કરી છે કે, આ કેલેન્ડર હાલની સ્થિતિએ માત્ર એક સંભવિત આયોજન દર્શાવે છે. ભવિષ્યમાં કોઈ અનિવાર્ય વહીવટી કારણોસર અથવા અન્ય કોઈ અણધાર્યા સંજોગોમાં પરીક્ષાની તારીખો કે મહિનામાં ફેરફાર કરવાનો હક મંડળ હસ્તક અબાધિત રહેશે. આથી ઉમેદવારોને પરીક્ષાના પાકા ટાઈમટેબલ અને લેટેસ્ટ અપડેટ માટે મંડળની સત્તાવાર વેબસાઇટ પર સતત નજર રાખવા માટે સૂચના આપવામાં આવી છે.
મહિનાવાર પરીક્ષાઓનું આયોજન
- જુલાઈ : વિવિધ સંવર્ગના સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર, સિનિયર સર્વેયર, ફિઝિયોથેરાપિસ્ટ, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર (AAE) અને કમ્પાઉન્ડરની પરીક્ષાઓ.
- ઓગસ્ટ : સર્વેયર, MPHW (મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર), ફાર્માસિસ્ટ, ફોરેસ્ટર અને સ્ટાફ નર્સ સહિતની લોકપ્રિય પરીક્ષાઓ.
- સપ્ટેમ્બર અને ઓક્ટોબર : આરોગ્ય વિભાગ તેમજ વિવિધ ટેકનિકલ સંવર્ગની ભરતી પરીક્ષાઓ.
- નવેમ્બર : સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર, લેબોરેટરી ટેકનિશિયન, MPHS અને અન્ય વહીવટી સંવર્ગોની પરીક્ષાઓ.
- ડિસેમ્બર : આ કેલેન્ડરની સૌથી મહત્વની અને મોટી જાહેરાત ડિસેમ્બર-2026ની છે. મંડળ દ્વારા ડિસેમ્બર મહિનામાં CCE-2 (Combined Competitive Exam) નું આયોજન કરવામાં આવશે. આ મેગા ભરતી પરીક્ષા અંતર્ગત કુલ 2,422 જગ્યાઓ ભરવામાં આવશે.


