ભાવનગરના ભરતનગર હાઉસિંગ બોર્ડના આવાસનો દાદર ધરાશાયી
રહિશોમાં દોડધામ ભયનો માહોલ, જાનહાની ટળતા રાહત
અગ્ર ગુજરાત, ભાવનગર
ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલી શિવનગર સોસાયટીમાં ગત રાત્રે એક મોટી દુર્ઘટના ઘટતા-ઘટતા અટકી હતી. અહીં ગુજરાત હાઉસિંગ બોર્ડના ત્રણ માળિયા મકાનનો એક મોટો ભાગ અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયો હતો. મકાનનો દાદર કડાકાભેર તૂટી પડતાં જ આસપાસના રહીશોમાં ભારે ફફડાટ અને દોડધામ મચી ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
મળતી વિગતો અનુસાર, ભાવનગરના ભરતનગર સ્થિત શિવનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના વર્ષો જૂના ત્રણ માળિયા આવાસો આવેલા છે. આ સરકારી મકાનો લાંબા સમયથી અત્યંત બિસ્માર અને જર્જરીત હાલતમાં ફેરવાઈ ગયા છે. ગત રાત્રિના સમયે અચાનક આ બિલ્ડિંગનો મુખ્ય દાદર (સીડીનો ભાગ) પ્રચંડ અવાજ સાથે તૂટી પડ્યો હતો. મોડી રાત્રે થયેલા આ ધડાકાને કારણે ભૂકંપ આવ્યો હોવાના ડરે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ ભયાનક અકસ્માતમાં સદનસીબે કોઈ નાગરિક દાદર નીચે દબાયો નહોતો, જેથી મોટી હોનારત ટળી હતી. જો કે, વારંવાર બનતી આવી સ્લેબ કે દાદર ધરાશાયી થવાની ઘટનાઓને લઈને સ્થાનિક રહેવાસીઓમાં પાલિકા અને હાઉસિંગ બોર્ડ વિરૂદ્ધ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રહીશોનો આક્ષેપ છે કે અનેકવાર લેખિત રજૂઆતો કરવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં છે. સ્થાનિકોએ માંગ કરી છે કે તંત્ર કોઈ નિર્દોષનો જીવ જાય તેની રાહ જોયા વિના આ જર્જરીત મકાનો ઉતારી લેવા માટે તાત્કાલિક કડક કાર્યવાહી હાથ ધરે.


