મહારાણા પ્રતાપ શાળામાં બે શિક્ષકોએ નિવૃત્તિ પૂર્વે બાળકો માટે 15 બેન્ચોનું દાન
વિદ્યાર્થીઓને મળી સુવિધા, આનંદો
અગ્ર ગુજરાત, રાજકોટ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્ર. 272, નાના વરાછામાં સેવારત વડીલ શિક્ષકો : હસમુખભાઈ ચૌહાણ તથા અરજણભાઈ બાથાણીએ પોતાની કર્મભૂમિ પ્રત્યેનો પ્રેમ અને વિદ્યાર્થીઓ પ્રત્યેની લાગણી વ્યક્ત કરતાં શાળાને બાળકો માટે ઉપયોગી બને તેવી 15 બેન્ચો ભેટ સ્વરૂપે અર્પણ કરી છે.
આગામી શૈક્ષણિક સત્રમાં બંને શિક્ષકો નિવૃત્ત થવાના હોવાથી પોતાની વર્ષોની સેવાઓની સ્મૃતિરૂપે તેઓએ આ અનોખી ભેટ આપી છે. ચાલુ વર્ષે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધતા કેટલાક વિદ્યાર્થીઓને નીચે બેસીને અભ્યાસ કરવો પડતો હતો. આ બાબતને સંવેદનશીલતાથી અનુભવી બંને શિક્ષક મિત્રોએ પોતાના જીવનકાળ દરમિયાન જ બાળકોને સીધો લાભ મળે તે હેતુથી બેન્ચો બનાવડાવી શાળાને અર્પણ કરી.
હસમુખભાઈએ આ શાળામાં લગભગ 20 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપી છે. માત્ર શિક્ષક તરીકે જ નહીં, પરંતુ જ્યારે શાળામાં આચાર્યની ખોટ અનુભવાતી હતી ત્યારે આગળ આવી શાળાનું સુકાન સંભાળી સંસ્થાને સ્થિરતા અને દિશા આપી હતી. અરજણભાઈ પણ કર્મનિષ્ઠ અને સમર્પિત શિક્ષક તરીકે ઓળખાય છે. દિવ્યાંગ હોવા છતાં તેમણે ક્યારેય પોતાની પરિસ્થિતિને કાર્યમાં અવરોધ બનવા દીધી નથી. ઘોડીના ટેકાથી ઊભા રહી અને સ્માર્ટ બોર્ડના ઉપયોગથી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી તેઓએ શિક્ષણક્ષેત્રે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે.
બંને શિક્ષકોએ પોતાની સ્મૃતિ બાળકો અને શાળા સાથે લાંબા સમય સુધી જીવંત રહે તેવા ઉમદા ભાવથી આ ભેટ અર્પણ કરી છે. તેમનો આ સેવાભાવ અને શિક્ષણ પ્રત્યેનો સમર્પણભાવ સમગ્ર શિક્ષણ જગત માટે પ્રેરણારૂપ બન્યો છે.


