હરિપર GIDCમાં અસામાજીક તત્વોની રંઝાડ, ઉદ્યોગપતિને માર મારી ધમકી
મોબાઇલ એલાઉડ નથી કહેતા શખ્સો તૂટી પડયા, સાત શખ્સો વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ નજીકના હરીપર ઇન્ડસ્ટ્રીયલમાં લુખ્ખાઓનો આતંક સામે આવ્યો છે. કારખાનેદાર પર હુમલો કરી મર્ડરની ધમકી આપતાં લોધીકા પોલીસમાં ફરીયાદ નોંધાઈ હતી. કુકવેર કંપનીમાં કામ કરતાં સાગર ચૌહાણ નામના શખ્સને મોબાઈલ એલાઉડ નથી તેમ કહેતાં ટોળકી તૂટી પડી હતી અને ફેક્ટરીમાં આંટા મારી ભય ફેલાવ્યો હતો.
બનાવ અંગે રાજકોટમાં બિગ બજારની સામે વિદ્યુત નગર મેઈન રોડ પર શિવ ભૂમિ-2 માં રહેતાં મોનીક અમૃતલાલ સભાડીયા (ઉ.વ 30) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સાગર ચૌહાણ, સુખા ચૌહાણ, સુનિલ ચૌહાણ તથા અજાણ્યા સાત શખ્સો સહિતના નામ આપતાં લોધીકા પોલીસે રાયોટીંગ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે હરીપર તરવડા ગામની સીમ સર્વે નં. 161 ઉપર બ્લેસ કુકવેર નામની કંપની છેલ્લા પાંચ વર્ષથી વેપાર કરી ચલાવે છે. કંપનીમાં આશરે આઠથી દસ માણસો કામ કરે છે.
ગઇ તા.30 ના તે કંપનીમાં હતો ત્યારે 12 વાગ્યાની આસપાસ કંપનીમાં કામ કરતા સાગર ચોહાણ રહે. ચીભડા વાળાનો મોબાઇલ ફોન તેમના ખીસ્સામાંથી પડતા કંપનીમાં મોબાઇલ ફોન ઉપયોગ કરવાની મનાઈ હોય જેથી તેમને ફોન બહાર મુકી આવવા જણાવેલ જેથી તેમણે ફોન મુકી આવુ છુ એમ કહેલ અને ત્યારબાદ ફરી કામે લાગી ગયેલ હતો.
બાદ બપોરના દોઢેક વાગ્યાની આસપાસ સાગર કામ કરતો હોય ત્યા જતા તે ફોનમાં વાત કરતો હતો. જેથી તેમને ફોન બહાર મુકી આવવા જણાવતા તેમણે કહેલ કે, મારે કામે નથી રહેવુ જેથી તેને કહેલ કે, સાંજ સુધી કામ કરો પછી ના આવો પરંતુ આજનો દીવસ પુરો કરો આપણે ફોન એલાઉડ નથી એમ બોલાચાલી થયેલ હતી.
ત્યારબાદ સાંજના સાત વાગ્યે ધરે જતા રહેલ હતા.
બુધવારની રજા હોય અને ગુરુવારના તા.02 ના સાગર કામ પર આવેલ ન હતો. સાંજના આશરે છએક વાગ્યે કંપની બહાર આવેલ ખોડીયાર ડેરીએ દુધ લેવા માટે ઇ-બાઇક લઇને ગયેલ ત્યારે ખોડીયાર ડેરીએ પહોચતા ત્યા કંપનીમા અગાઉ કામ કરતા સુખા ચૌહાણ તથા સાગર ચોહાણ બંન્ને ઉભા હતા
જેથી તેઓ સાથે વાતચીત કરતા હતા ત્યારે એક અજાણ્યા માણસ આવી ગાળાગાળી કરવા લાગેલ ત્રણેય શખ્સો ઢીકા પાટુનો માર મારેલ હતો. આ અજાણ્યો માણસ જેનુ નામ સુનીલ હોય તે બોલતો હતો કે, મે બે મર્ડર કરેલા છે ત્રીજુ તારુ કરી નાખીશ એમ ધમકી આપતો હતો.
તે દરમ્યાન ત્યા આજુબાજુના માણસો આવી જતા તેઓને છુટા પાડેલા હતા. ફરીયાદી કંપનીએ જતો રહેલ અને આ બાબતે પિતાને ફોન કરી વાત કરતા તેઓ કંપનીએ આવેલ મકાને જતા રહેવાનુ જણાવતા યુવક જતો રહેલ હતો. ત્યારબાદ કંપનીમાં કામ કરતા બાબુભાઈનો ફોન આવેલ કે, સાગર તથા બીજા માણસો કંપનીમાં આવેલા અને કહેતા હતા કે તારો શેઠ ક્યા છે.
તેને મારવો છે. જેથી આ લોકો ફરી માથાકુટ કરવા આવશે તેમ ભય લાગતા ગઇકાલ સાગર સહિતના વિરુધ્ધ અરજી આપેલ હતી. ત્યારબાદ કંપનીના કેમેરા ચેક કરતા કંપની અંદર સાગર તથા અન્ય સાત માણસો કંપનીમાં આવતા તેમજ આટા ફેરા કરતા જોયેલા હતા. બનાવ અંગેની ફરિયાદ પરથી લોધીકા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.


