જેતપુરમાં ભારે વરસાદથી પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરીની દીવાલ ધરાશાયી
સદનસીબે જાનહાની ટળતા તંત્રમાં રાહત
અગ્ર ગુજરાત, જેતપુર
જેતપુરમાં ગઇકાલે બપોર બાદ પડેલા ભારે વરસાદને પગલે શહેરની મામલતદાર કચેરી અને તાલુકા પોલીસ સ્ટેશન વચ્ચે આવેલી કમ્પાઉન્ડની દીવાલનો અમુક ભાગ અચાનક ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, જેતપુર પંથકમાં સત્તત 3 દિવસ અવરિત વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગઇકાલે પણ બપોર બાદ મેઘરાજાએ ધબધબાટી બોલાવતા સતત વરસાદને કારણે જમીન નરમ પડી ગઈ હતી. આ દરમિયાન, તાલુકા પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરી વચ્ચે આવેલી વર્ષો જૂની દીવાલ અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. દીવાલ તૂટી પડવાનો અવાજ આવતા જ આસપાસના લોકો અને કચેરીના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને કચેરીના કર્મચારીઓ દોડી આવ્યા હતા. રાહતની વાત એ છે કે, જે સમયે આ દીવાલ ધરાશાયી થઈ તે સમયે આસપાસ કોઈની અવરજવર ન હતી જે કોઈ વાહન પાર્ક કરેલ નોતું જેને કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ કે ઈજા થવા પામી નથી. જો આ સમયે કોઈ વાહન કે વ્યક્તિ ત્યાંથી પસાર થઈ રહ્યા હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.


