ગીરમાં ધમધમતા ગેરકાયદે રિસોર્ટ, હોટેલોના વિરોધમાં ૭૦થી વધુ પ્રાકૃતિક સંસ્થાઓ મેદાને
સરકાર દ્વારા લેવાયેલા વિવિધ નિર્ણયો પરત નહીં ખેંચાય તો ઉપવાસ આંદોલનની ચિમકી
અગ્ર ગુજરાત, જામનગર
નવાનગર નેચર ક્લબ, જામનગર દ્વારા ગુજરાતની અમૂલ્ય પ્રાકૃતિક ધરોહર એવા ગીર અને એશિયાઈ સિંહોના સંરક્ષણ તેમજ રાજ્યના જંગલો, વન્યજીવો અને પર્યાવરણના હિત સાથે જોડાયેલા મહત્વપૂર્ણ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને “ગીર રક્ષિત વિસ્તારો અને એશિયાઈ સિંહ બચાવો સંમેલન–2026” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાજ્યકક્ષાના સંમેલનમાં ગુજરાતભરના પ્રકૃતિ મંડળો, પર્યાવરણ સંસ્થાઓ, વન્યજીવ નિષ્ણાતો, પર્યાવરણવિદો, સંશોધકો, પ્રકૃતિપ્રેમીઓ અને જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
સંમેલનનો મુખ્ય હેતુ પ્રકૃતિ, જંગલો, વન્યજીવો અને પર્યાવરણના દીર્ઘકાલીન હિતમાં સંવાદ, સંકલન અને સહયોગ દ્વારા અસરકારક ઉકેલો શોધવાનો છે. આ ઉપરાંત ગુજરાતમાં પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓની રાજ્યવ્યાપી ડિરેક્ટરી તૈયાર કરવા તેમજ એક કોમન પ્લેટફોર્મની રચના અંગે પણ મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી.
નવાનગર નેચર ક્લબના પ્રમુખ વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જામનગર અને સાસણમાં કેટલાંક સમયથી સિંહોના સંરક્ષણ અને સંવર્ધનની ઘણીબધી સમસ્યાઓ જેવી કે ગેરકાયદેસર રિસોર્ટ અને જમીન ફાળવણી મોટા પાયે ચાલી રહી છે. આ સમસ્યાના સમાધાન માટે આજે સમગ્ર ગુજરાતના પ્રકૃતિ મંડળોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં તમામ સંસ્થાઓ વતી સરકારના આ નિર્ણયો પાછા ખેંચવા માટે આવેદનપત્ર આપવામાં આવશે તેમજ વન મંત્રી અને સચિવની રૂબરૂ મુલાકાત લઈ રજૂઆત કરાશે.
જો સરકાર રજૂઆત ધ્યાને નહીં લે તો આગામી દિવસોમાં ઉપવાસ આંદોલન અને જ્વલંત આંદોલન કરવામાં આવશે. તેમણે વન મંત્રી, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને વિનંતી કરી છે કે ગીરમાં વસવાટ માટેની લોકોની જમીનની માંગણી ધ્યાને ન લેવાય અને ભવિષ્યમાં સાસણને લગતો કોઈ પણ નિર્ણય લેતા પહેલા સ્થાનિક લોકો તેમજ પ્રકૃતિ મંડળોને વિશ્વાસમાં લેવામાં આવે. ખાસ કરીને રાજભા ગઢવીને જમીન ફાળવવાનો સરકારનો અયોગ્ય નિર્ણય પાછો ખેંચવા, ગેરકાયદેસર રિસોર્ટને મંજૂરી ન આપવા અને માઇનિંગ રોકવા પર જ આગામી દિવસોમાં મુખ્ય લડત રહેશે.
વન વિભાગના નિવૃત્ત અધિકારી અશોકકુમાર શર્માએ જણાવ્યું હતું કે, આ બેઠકમાં અંદાજે 60થી 70 જેટલી જુદી-જુદી બિન-સરકારી સંસ્થાઓ (NGOs) ના પ્રતિનિધિઓ સાથે ગીર જંગલ અને વન્યજીવોના હિતને નુકસાન પહોંચાડતી ગંભીર બાબતો પર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં મુખ્યત્વે ત્રણ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ ઇન્ડસ્ટ્રિયલ હાઉસીસ અને અમુક ફેક્ટરીઓને રિઝર્વ ફોરેસ્ટમાંથી અપાતી જમીનનો વિરોધ, બીજું માલધારીઓને ફરીથી ગીર જંગલની અંદર વસવાટ માટે પરવાનગી આપવાથી સિંહો અને જંગલ પર થનારી નકારાત્મક અસરો અને ત્રીજું ગીરની આસપાસ ગેરકાયદેસર રીતે બનતા રિસોર્ટથી ફોરેસ્ટ મેનેજમેન્ટ પર પડતી વિપરીત અસરોનો સમાવેશ થાય છે.
ભવિષ્યના આયોજન માટે તમામ પ્રકૃતિપ્રેમી સંસ્થાઓ સાથે મળીને એક ‘સંકલન સમિતિ’ ની રચના કરશે. આ સમિતિ તમામ વન્યજીવ પ્રેમી મંડળો વચ્ચે સંકલન સાધશે જેથી પર્યાવરણનું રક્ષણ, વન્ય પ્રાણીઓનું સંરક્ષણ અને સિંહોના સંવર્ધન માટે ‘સસ્ટેનેબલ’ એટલે કે ટકાઉ પદ્ધતિથી આગળ વધવાની મજબૂત વ્યૂહરચના ઘડી શકાય.


