જસદણમાં ભાઇના પરિવારને મોતને ઘાટ ઉતારવાનો ખેલ
કારથી કચડવાનો પ્રયાસ કરતાં બાળક સહિત બે લોકોને ગંભીર ઇજા : આરોપીની અટકાયત
અગ્ર ગુજરાત, રાજકોટ
જસદણ શહેરના ગંગાભુવન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક સગા ભાઈએ પોતાના જ ભાઈ અને તેના પરિવારને કારથી કચડી નાખી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના CCTV દૃશ્યો સામે આવ્યા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના આશરે 15 દિવસ પહેલા બની હતી. આરોપી વિજય પોયલે પોતાની કાર વડે ભાઈ અને તેના પરિવારને જાણીજોઈને ટક્કર મારી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
આ હુમલામાં 11 વર્ષના બાળક સહિત માતા-પિતા ઇજાગ્રસ્ત થયા હતા. ઘાયલ યુવકને પગમાં ફ્રેક્ચર થયું છે, જ્યારે તેની પત્ની અને પુત્રને પણ ઈજાઓ પહોંચી છે. ઘટના બાદ આરોપી વિજય પોયલે કારમાંથી લોખંડનો પાવડો લઈને પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.
આ બનાવ અંગે જસદણ પોલીસે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપી વિજય પોયલની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


