લોધીકાના રાવકી ગામે જમીનની અદાવતમાં હત્યા કરનારા બે ઝડપાયા
સરકારી ખરાબાની જમીન ખાલી કરાવવાનો ખાર રાખી પૂર્વયોજિત કાવતરું રચી કૌટુંબિક કાકા અને મામાએ ઢીમ ઢાળી દીધુ
અગ્ર ગુજરાત, રાજકોટ
લોધીકા તાલુકાના રાવકી ગામે રહેતા ભરત વાલજીભાઇ ડાંગર (ઉ.વ.૩૩) ની જમીન ખાલી કરાવવા પ્રશ્ને હત્યા થયાનું ખુલ્યું છે. પોલીસે હત્યા કરનાર કૌટુંબીક કાકા અને મામાની ધરપકડ કરી છે.મળતી વિગતો મુજબ લોધીકાના રાવકી ગામે એસેન્ટ કારમાંથી મૃતક ભરતભાઇની લાશ મળી આવી હતી. કૌટુંબીક કાકા વિજય ઉર્ફે જીગો રમેશભાઇ ડાંગર તથા કૌટુંબીક મામા કટી કેશુભાઇ બગડા સાથે જમીન ખાલી કરાવવા બાબતે ઝઘડો થતા ગાળા-ગાળી-લાફાવાળી થઇ હતી ત્યાર બાદ બંને આરોપીઓએ મૃતકને ધોકાના ઘા ઝીંકી પતાવી દીધો હતો અને હત્યા બાદ પુરાવા છુપાવવા મૃતકની લાશ એસેન્ટ કારમાં મુકી દીધી હતી. લાશ કારમાંથી મળવાની નોંધ કરાવી બનાવને કુદરતી કે અકસ્માતે મોતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન પી.એમ. રીપોર્ટમાં મૃતક ભરતભાઇની હત્યા ઇ હોવાનું જાહેર થતા એકશનમાં આવેલી પોલીસે શંકાના પરીઘમાં રહેલ મૃતક ભરતભાઇના કૌટુંબીક કાકા વિજય ડાંગર તથા કટ્ટી બગડાને સકંજામાં લઇ લીધા હતા. લોધીકાના પીઆઇ ઇન્દ્રજીતસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે પકડાયેલ બંને આરોપીઓએ હત્યાની કબુલાત આપી છે. મૃતક ભરતભાઇ ડાંગરે અગાઉ આરોપી કૌટુંબીક કાકા વિજય ડાંગરની ખરાબાની જમીન ખાલી કરાવી હતી તેનો ખાર રાખી કૌટુંબીક કાકા વિજય ડાંગરે અન્ય આરોપી કટ્ટી બગડા સાથે મળી પુર્વયોજીત કાવત્રુ રચી ભરતભાઇનું ઢીમ ઢાળી દીધું હતું. આ બનાવ અંગે મૃતકના બહેન રેખાબહેન ચિરાગભાઇ બગડાની ફરીયાદ ઉપરથી લોધીકા પોલીસે આરોપી વિજય ડાંગર તથા કટ્ટી બગડા અને તપાસમાં ખુલે તે તમામ સામે ગુન્હો દાખલ કર્યો છે. લોધીકા પોલીસે પકડાયે આરોપી વિજય ડાંગર તથા કટ્ટી બગડાની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. વધુ તપાસ પીઆઇ ઇન્દ્રજીતસિંહ સરવૈયા ચલાવી રહયા છે.


