સ્માર્ટ મીટર લગાવવા ગ્રાહકની મંજૂરી જરૂરી નહીં: લોકપાલ
વધારે બિલ આવતું હોવાની ગ્રાહક દ્વારા કરાયેલી ફરિયાદમાં વિજ લોકપાલનો ચૂકાદો: લોકપાલના અવલોકનથી રાજકોટ સહિત રાજ્યભરમાં વિરોધ થવાની સંભાવના
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં હવે સ્માર્ટ મીટર લગાવવા માટે ગ્રાહકની પૂર્વ મંજૂરીની જરૂરી નથી અને વીજ વિતરણ કંપનીને લાગુ કાયદા અને નિયમો હેઠળ હાલના મીટરને પોતાના નિર્ણયથી અથવા તો ગ્રાહકની વિનંતીના આધારે બદલવાનો અધિકાર હોવાનો ગુજરાત વિદ્યુત નિયામક આયોગના વીજ લોકપાલે આપ્યો છે. લોકો પહેલાંથી સ્માર્ટ મીટર અંગે વિરોધ કરી રહ્યાં છે. હવે આ ચૂકાદો આવતાં લોકો ઘરે આવતા વીજકંપનીઓના અધિકારીઓને ના નહીં કહી શકે.
જેમ ખેડૂતોએ વીજથાંભલાઓ બાબતે વિરોધ નોંધાવ્યો એમ આ બાબતે પણ ભારે વિરોધ થાય તેવી પૂરી સંભાવના છે. લોકોને ડર છે કે સ્માર્ટ મીટર આવ્યા બાદ સરકાર પાવર સિસ્ટમ પર પોતાનો કબજો જમાવી લેશે
વડોદરાના પ્રતાપનગર વિસ્તારના મહેન્દ્ર ડી. પટેલ વિરૂદ્ધ લાલબાગ ડિવિઝનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર (એમજીવીસીએલ)ના કેસના સંદર્ભમાં વીજ લોકપાલે ઉપરોક્ત ચૂકાદો આપ્યો હતો. વીજ ગ્રાહકે દાવો કર્યો હતો કે, તેની મંજૂરી વિના સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું જેના કારણે ઓટો ડેબિટ સુવિધા પ્રભાવિત થઈ અને વીજ જોડાણ કપાયું હતું.
સુનાવણી દરમિયાન એમજીવીસીએલ દ્વારા રજૂઆત કરાઈ હતી કે, વીજ કંપનીને ઇલેક્ટ્રિસિટી એક્ટ, હેઠળ વીજ કંપનીને સ્માર્ટ મીટર સ્થાપિત કરવાનો તથા જરૂરી હોય ત્યારે હાલના મીટરને બદલવાની સત્તા પ્રાપ્ત છે. આ કાનૂની જોગવાઈઓમાં ક્યાંય પણ ગ્રાહકની પૂર્વ મંજૂરી ફરજિયાત માનવામાં આવી નથી.
વીજ લોકપાલે રજૂઆત સ્વીકારી હતી અને નોંધ્યું હતું કે, અરજદાર ગ્રાહક સ્માર્ટ મીટરના કોઈ ટેકનિકલ ખામી, ખોટું રીડિંગ અથવા બિલિંગમાં ગરબડ હોવાના કોઈ વિશ્વસનીય પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
આથી માત્ર સ્માર્ટ મીટરનો વિરોધ અથવા જૂનું મીટર પુનઃ સ્થાપિત કરવાની માગ કાયદેસર રીતે સ્વીકાર્ય બની શકતી નથી. ગ્રાહકો માત્ર શંકા કે વિરોધના આધારે જૂનું પરંપરાગત મીટર ફરીથી લગાવવાની માંગ કાયદેસર રીતે કરી શકશે નહીં.
ગ્રાહકને જો સ્માર્ટ મીટર અંગે શંકા હોય તો જર્ક ઇલે. સપ્લાય કોડની જોગવાઈ મુજબ થર્ડ પાર્ટી મીટર ટેસ્ટિંગ કરાવી શકાય છે. ગુજરાતમાં જે ગ્રાહકો ‘પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના’ હેઠળ સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવી રહ્યા છે, તેમના માટે વીજ કંપનીઓ દ્વારા બાય-ડિરેક્શનલ સ્માર્ટ મીટર (ઇમ્પોર્ટ-એક્સપોર્ટ રીડિંગ માટે) ફરજિયાતપણે ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે.
સમગ્ર દેશમાં સ્માર્ટ મીટરની સ્થિતિ
- મેગા પ્રોજેક્ટ અને ટાર્ગેટ : સમગ્ર દેશમાં ગ્રાહકો, ફીડર્સ અને ટ્રાન્સફોર્મર્સને આવરી લેતા અંદાજે ૨૫ કરોડ (250 Million) સ્માર્ટ પ્રિ-પેઇડ મીટર સ્થાપિત કરવાનો ટાર્ગેટ છે.
- હાલમાં શું છે સ્થિતિ : દેશમાં દૈનિક ઇન્સ્ટોલેશનનો આંકડો ૧૫,૦૦૦ થી વધીને ૧.૧૨ લાખથી વધુ થઈ ગયો છે. અત્યાર સુધીમાં કરોડો મીટર સફળતાપૂર્વક ઇન્સ્ટોલ થઈ ચૂક્યા છે.
- કયા કયા રાજ્યો અગ્રેસર : સ્માર્ટ મીટરના અમલીકરણમાં હાલમાં બિહાર, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો દેશમાં સૌથી આગળ ચાલી રહ્યા છે.


