ફોરેસ્ટ વિસ્તારમાં કાયદાની ઐસીતૈસી
ગીરમાં આડેધડ ખડકાયેલા ૮૦થી વધુ રિસોર્ટના કારણે શહેરો તરફ વળ્યા સિંહ
માનવિય દખલગીરી વધતા ગીરનો વિશાળ જંગલ વિસ્તાર નાનો બન્યો અને સિંહો ગામ-શહેરો તરફ જવા મજબૂર બન્યા
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
ગુજરાતનું ગૌરવ ગણાતા એશિયાઈ સિંહો માટે હવે ગીરનું જંગલ પણ રહેવાલાયક રહ્યું નથી. ભાજપ સરકારની બેધારી નીતિને કારણે ગીર ફોરેસ્ટ વિસ્તારમાં કાયદાની એસીતૈસી કરી 80 થી વધુ આલીશાન રિસોર્ટ્સ બાંધી દેવાયાં છે અને સિંહોને વસવાલાયક જમીન પર અતિક્રમણ કરાયું છે. આ ઉપરાંત દુનિયામાં ક્યાંક જંગલ વિસ્તારોમાં સિમેન્ટની ફેક્ટરીઓ નથી પણ સરકારની રહેમનજર હેઠળ ગીરના જંગલ-વન્યપ્રાણીઓના ઘરમાં સિમેન્ટની ફેક્ટરીઓ ઉભી કરી દેવાઈ છે.
રાજ્ય સરકાર માત્ર પ્રવાસનના નામે ભ્રષ્ટાચારની કમાણી અને વાહવાહી મેળવવામાં મસ્ત છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે સિંહો આજે પોતાના જ જંગલમાં બંધક અને બેઘર બની ગયા છે. આ ઉપરાંત કડવું સત્ય એ પણ છે કે, રાજકારણીઓના સ્વાર્થના ભોગે વનરાજાને જંગલને નિકાલ થવું પડ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.
સનાતન સત્ય એછેકે, ગીરનો વિશાળ જંગલ વિસ્તાર નાનો બન્યો, સિંહો ગામ- શહેરો તરફ જવા મજબૂર બન્યા છે. જંગલની શાંતિ હણતી અને પર્યાવરણનું ઝેર ઓકતી સિમેન્ટ ફેક્ટરીઓ વન્યજીવ વિસ્તાર નજીક બેરોકટોક ધમધમી રહી છે. વન વિભાગના નિયમો માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે કેમ કે, સિમેન્ટ ફેક્ટરી-રિસોર્ટ માલિકો અને ભૂમાફિયાઓના ગેરકાયદેસર દબાણો સામે સરકારી તંત્રએ લાચારી ઓઢી લીધી છે. વનરાજાનું જ સામ્રાજ્ય આજે ઉદ્યોગોના સ્વાર્થ સામે જોખમાયું છે.
છેલ્લા કેટલાક સમયથી માનવ વસાહતો પર સિંહોના હુમલાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે, જે કોઈ આકસ્મિક બાબત નથી. નિષ્ણાતોના મતે, આ હુમલાઓ પાછળ સીધું સરકારી તંત્ર અને માનવીય દખલગીરી જવાબદાર છે. આ સતત વધતા તણાવને કારણે શાંત પ્રકૃતિના સિંહો હવે અત્યંત ચીડિયા અને હિંસક બનીને હુમલા કરી રહ્યા છે. સિમેન્ટ ફેક્ટરીઓ, રિસોર્ટ્સના ઘોંઘાટના કારણે હરણ, નીલગાય જેવા તૃણાહારી પ્રાણીઓ વેરવિખેર થઈ ગયા છે.
જંગલમાં પૂરતો ખોરાક ન મળતા સિંહો ભૂખ સંતોષવા માટે પાલતુ પશુઓ અને માનવીઓ તરફ નજર દોડાવે છે. દબાણને લીધે જંગલમાં સિંહોના પરંપરાગત રસ્તાઓ બંધ થઈ ગયા છે. વિહરવા માટે જગ્યા ન બચતા તેઓ મજબૂરીવશ માનવ વસાહત અને ખેતરોમાં ઘૂસી જાય છે, જ્યાં અચાનક માણસ સામે આવી જતાં સ્વબચાવમાં હુમલા થાય છે. સિંહોની કુદરતી જીવનશૈલીમાં વ્યાપારી હેતુઓ માટે કરાયેલી છેડતી જ આ લોહિયાળ સંઘર્ષનું મૂળ છે. જો હજુ પણ આ મુદ્દે સરકાર ગંભીર વિચાર કરી યોગ્ય પગલાં નહીં ભરે તો સિંહોના હુમલામાં હજુ વધારો થશે તેવું નિષ્ણાંતોમાં ચર્ચાઈ રહ્યું છે.


