બાલાજી હનુમાનજી મંદિરે RSSના સંપર્ક પ્રમુખ સુનિલજી દેશપાંડેએ દર્શન કરી ધન્યતા અનુભવી
દાદાના દરબારમાં શીશ ઝુકાવી મહાનુભાવોએ રાષ્ટ્રની ઉન્નતિ અને સમાજની સુખાકારી માટે પ્રાર્થના કરી
અગ્ર ગુજરાત, રાજકોટ
લાખો ભક્તોની શ્રદ્ધાના પ્રતીક અને રાજકોટવાસીઓના દુઃખહર્તા એવા મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજના મંગલમય સાનિધ્યમાં (કરણસિંહજી હાઈસ્કૂલ, ભૂપેન્દ્ર રોડ) એક વિશેષ મુલાકાત યોજાઈ હતી.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના અખિલ ભારતીય સંપર્ક પ્રમુખ સુનિલજી દેશપાંડે, ભારતભરના સહકારી ક્ષેત્રના દિગ્ગજ અગ્રણી જ્યોતિન્દ્રભાઈ મહેતા અને રાજકોટની જાણીતી શિક્ષણ સંસ્થા ગૌતમ સ્કૂલના સંચાલક શ્રી દિલીપભાઈ પંચોલીએ ખાસ સમય ફાળવીને બાલાજી હનુમાનજી મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આ મંગલ અવસરે મંદિરના આયોજક મહંતશ્રી વિવેકસાગરદાસજી સ્વામી, સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શાસ્ત્રી શ્રી રાધારમણદાસજી સ્વામી અને કોઠારી મુનિવત્સલદાસજી સ્વામી દ્વારા સુનિલજી દેશપાંડે, શ્રી જ્યોતિન્દ્રભાઈ મહેતા અને દિલીપભાઈ પંચોલીનું પુષ્પહાર પહેરાવીને ભાવભર્યું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂજ્ય સંતોએ મહાનુભાવોને રાષ્ટ્ર અને સમાજ સેવાના કાર્યોમાં ઉત્તરોત્તર સફળતા મળે તેવા વિશેષ આશીર્વાદ અને પ્રસાદ પાઠવ્યા હતા.


