કાંગશીયાળી ચોકડી નજીક ગેરકાયદે ડમ્પીંગ યાર્ડથી ૧૦ હજાર લોકોને હાલાકી
કચરાના ગંજથી રહેણાંક વિસ્તાર પાસે જ નર્કાગારની સ્થિતી: તાત્કાલિક કાર્યવાહી કરવા માગ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરીની સત્તામંડળ (રૂડા)ની હદમાં આવતા કાંગશિયાળી ચોકડી નજીકના 80 ફૂટ રોડ પર તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. સત્તાવાર રીતે કોઈ ડમ્પિંગ યાર્ડ મંજૂર ન હોવા છતાં, અહીં સ્થાનિક રહેણાક વિસ્તારોની વચ્ચોવચ્ચ કચરાના ગંજ ખડકાઈ રહ્યા છે.
સર્વોત્તમ હાઈટ્સ, સ્થાપત્ય ગ્રીન સિટી, પ્રથમ હાઈટ્સ અને કસુંબી કાસા જેવા હાઈરાઈઝ બિલ્ડિંગો તેમજ આસપાસના રો-હાઉસના અંદાજે 9,000થી 10,000 નાગરિકો આ ગેરકાયદે ડમ્પિંગ યાર્ડના કારણે નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આસપાસની હોટેલોના સંચાલકો રાત્રિના અંધકારનો લાભ લઈ આ જગ્યા પર ટનબંધ કચરો અને એંઠવાડ ડમ્પ કરી જાય છે. આ ગંદકીના કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે, જેના લીધે લોકો પોતાના ઘરની બારીઓ પણ ખોલી શકતા નથી.
સૌથી ગંભીર બાબત એ છે કે આ વિસ્તારમાં શિવાલિક સ્કૂલ સહિત એક પ્રિ-સ્કૂલ આવેલી છે. નાના ભૂલકાંઓ સવારથી જ આ માથું ફાડી નાખે તેવી દુર્ગંધ અને પ્રદૂષણ વચ્ચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે, જેનાથી તેમના સ્વાસ્થ્ય સામે મોટો ખતરો ઊભો થયો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં ‘રૂડા’નું તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. આ ગેરકાયદેસર ડમ્પિંગ યાર્ડ તાત્કાલિક હટાવવા ઉગ્ર માંગકરી છે.


