ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
ઝેર પીવડાવવા માટે દુનિયાએ કેટકેટલી યોજનાઓ કરવી પડે છે!
‘માનમ્ મૌન’: (મહાભારત) એટલે કે આદર સાથે મૌન રહેવું
સુરદાસનું એક પદ ‘રામચરિત માનસ’ છે
ઉત્તરાખંડની તીર્થ ભૂમિ હરિદ્વારના પ્રેમ આશ્રમમાં પ્રવાહિત થઈ રહેલા રામકથારૂપી પ્રેમયજ્ઞમાં ગઈકાલે કથા પૂર્વે મનોરથી પરિવારના એક નવયુગલ ‘ચિં:પ્રેમ+ચિં.વૃક્ષા’ના વ્યાસપીઠની સાક્ષીએ શુભ-મંગલ વિવાહ થયા હતા. નવયુગલે પ્રિયબાપુના અને વ્યાસપીઠના મંગલ ફેરા ફર્યા હતા. બાપુએ નવયુગલને આશિર્વાદ પાઠવી પ્રસન્ન અને પ્રયન્ન દામ્પત્યજીવની શુભકામનાઓ પાઠવી હતી. પ્રેમ અને વૃક્ષાએ એક-મેકને મોતી માળા પહેરાવી હતી અને એક-મેકને વિંટી (‘મેરેજ રીંગ’) પહેરાવી હતી.
કાઠમંડુ (નેપાળ)ના તપોવન આશ્રમના ઓશો આરાધક સ્વામી આનંદ અરૂણજી દ્વારા લખાયેલું એક અંગ્રેજી ભાષાનું પુસ્તક વ્યાસપીઠ દ્વારા બ્રહ્મર્પણ થયું હતું. ઉપરાંત જાણીતા વક્તા-લેખક ડો.ભદ્રાયુ વચ્છરાજાની સંપાદિત એક પુસ્તકનું પણ બાપુએ બ્રહ્માર્પણ કર્યું હતું જે પુસ્તકમાં ગત હનુમાન જ્યંતિને દિવસે મહુવા પાસેના જાદરા ગામે મીણબકાઈ માનો નેસડો છે તે ભૂમિ પર પ્રથમ પાટોત્સવ નિમિત્તે ‘સનાતન ધર્મ’ વિશે સંવાદ થયેલો. જેમાં પ્રિયબાપુ, સતુઆ બાબા, જય વસાવડા, રેખાબેન દેસાઈ અને ભદ્રાયુ વચ્છરાજાનીએ પ્રવચન આપેલા. એ સનાતન વાણીના પુસ્તકનું સંપાદન પણ ડો.ભદ્રાયુ વચ્છરાજાનીએ કરેલું છે.
આ અવસરે ઓશો આરાધક સ્વામી આનંદ અરૂણજીએ જણાવ્યું હતું કે, મોરારિબાપુની વિનમ્રતા અને સરળતા-સહજતાને લીધે હું બાપુ સાથે પ્રેમનો નાતો ધરાવું છું. બાપુ એક માત્ર એવા વકતા છે કે જે ઓશોની વાત-ઓશોનો પ્રેમ સંદેશ ફેલાવે છે અને એ પણ ઓશોના નામ સાથે. બાકી કેટકેટલાય વકતાઓ ઓશોની જ વાત કરે છે, ઓશો વાણી જ કહેતા રહે છે પણ ક્યારેય-કોઈ દિવસ ઓશોનું નામ નથી લેતા! અને બાપુને ભારત સરકારે ૨૦૦૨માં પદ્મશ્રી સન્માન આપવાનું નિશ્ચીત કર્યું તો બાપુએ પ્રેમપૂર્વક-વિનય સાથે એ પદ્મશ્રી સન્માનનો અ-સ્વીકાર કરેલો. બાપુએ રામકથા અને રામનામનો પરિચય સમગ્ર વિશ્વમાં પ્રસરાવ્યો છે.
કથાના પ્રેમસંવાદને આગળ ધપાવતા બાપુએ કહ્યું હતું કે, માનસમાં આપણા ચાર દુશ્મન, આંતરિક દુશ્મનો જે સાંકેતીક છે એની વાત કરી છે. રાવણ એ મોહ છે, ઈન્દ્રજીતએ એકાંત છે, જ્યારે કુંભ કર્ણ અહંકારનું પ્રતિક છે તો આ ચાર શત્રુ ક્યા? (૧) દર્મુખ (૨) સુરરિયુ (3) ભટ-અતિકાય અને (૪) મહોદર. કોઈની નિંદા કરવી, કોઈની પ્રગતિની ઈર્ષા કરવી એ દુર્મુખ છે. દૈવી વિચારનો વિરોધ કરવો એ મનુજ આહારી એટલે કે મનુષ્યતા-સુરરિયુ છે. અતિશય જાડા હોય અને જેનું પેટ મોટું એટલે કે મહોદર છે આ બધા આપણા આંતરીક શત્રુ છે. આદિ જગદગુરુ શંકરાચાર્યજી ‘વિવેક ચુડામણી’માં એક મંત્ર આવે છે તે મંત્રમાં અમૃતની પ્રાપ્તી કઈ રીતે થાય એની ચર્ચા કરી છે.
ઝેર પીવડાવવા માટે કેટકેટલી યોજનાઓ કરવી પડે છે પણ અમૃત મેળવવું સહજ છે એને માટે સાધકે સાધના કરવાની રહે છે. તો ‘વિવેક ચુડામણી’નો આ મંત્ર….
મોક્ષસ્ય કાંક્ષા યદીવૈ તવાસ્તિ તત્જાતિ
વિષયાન વિષમયથા પિયુષવત, તોષ, દયા
ક્ષમા, આર્જધમ્, પ્રશાંતિ, દાન્તીર ભીજ નિત્યમ્ આદરાત્ અર્થાત કે, સાધક જો અમૃત પ્રાપ્ત કરવું હોય તો સંસારના વિષયોથી જેટલું જલ્દી દૂર થઈ, વિષયોની આશા છોડીને ભુતકાળ કે ભવિષ્યકાળ નહીં પણ વર્તમાનમાં, આ જ ક્ષણ (લીવ એટ મોમેન્ટ)માં જીવો. વર્તમાન આપણા હાથમાં છે. ભુતકાળ કે ભવિષ્યકાળ આપણા હાથમાં નથી. ભુતકાળ વીતી ગયો છે અને ભવિષ્યકાળની ખબર નથી માટે અમૃતની પ્રાપ્તી માટે દયા, ક્ષમા, વિનંતી (આર્જવમ્), પ્રશાંત ચિતે અને નિત્ય એટલે કે રોજ આદર સાથે… મહાભારતકાર પણ કહે છે કે માનમ્ મૌન, માનમ્ સ્વાઘ્યાય અને માનમ્ યજ્ઞમ્ સ્વાહા… એટલે કે આદર સાથે મૌન રહેવું-ખીજ કે ગુસ્સામાં નહીં! તો જગદગુરૂએ આપણને અમૃત પ્રાપ્તી માટેનો સહજ-સરળ માર્ગો બતાવ્યાં છે. આપણે સૌ પણ એ કરી શકીએ તો અમૃતતત્વની પ્રાપ્તી થશે.
કથારત્નો
૧) આગે ભી જાને ના તું (ભવિષ્ય)
પીછે ભી જાને ના તું (ભુતકાળ)
જોભી હૈ બસ ઈક પલ હૈ (વર્તમાન)
૨) એટલો રહેજે દૂર સાંવરિયા!
સાંભળી શકું તારો સૂર…… -નિરંજન ભગત
3) ગીત મારૂતિ સંગીત મારૂતિ
રાગ મારૂતિ માલકોશ મારૂતિ
દરબારી મારૂતિ, ભૂપાલી મારૂતિ
ત્રિતાલ મારૂતિ, ભૈરવી મારૂતિ….
કથાનો મનોરથ….
મને આજે વ્યાસપીઠ પર તમારા બધાના પત્રો વાંચતો હતો ત્યારે જ એક વિચાર આવ્યો છે કે મને એક એવી કથાનો મનોરથ છે… ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન અને તત્વચિંતક જે.કૃષ્ણમૂર્તિ (જદુકૃષ્ણમુર્તિ)ને કેન્દ્રમાં રાખીને ‘માનસ રાધાકૃષ્ણમુર્તિ’ વિષય પર રામકથાનું ગાન કરવાનો મનોરથ છે. જોઈએ ક્યારે થાય છે. આપણા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન અને જે.કૃષ્ણમૂર્તિને યાદ કરવા છે. જોકે જે.કૃષ્ણમૂર્તિને સમજવા જરા કઠીન છે. પણ આ બન્ને મહાપુરૂષાને કેન્દ્રમાં રાખીને ‘માનસ રાધાકૃષ્ણ મુર્તિ’ રામકથાનું ગાન કરીશું.


