WOW Awards Asia માં ગોલ્ડ જીતનારા ગુજરાતના પ્રથમ એન્કર બન્યા રાજકોટના શિવરામસિંહ ચૂડાસમા
‘બેસ્ટ મેલ એમસી ઑફ ધ યર – વેડિંગ્સ’ કેટેગરીમાં ગોલ્ડ એવોર્ડ મેળવી ગુજરાતને અપાવ્યું ગૌરવપૂર્ણ રાષ્ટ્રીય સન્માન.
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના જાણીતા એન્કર તથા ભારતીય સંસ્કૃતિના રાજદૂત તરીકે આગવી ઓળખ ધરાવતા શિવરામસિંહ ચૂડાસમાએ ગુજરાત માટે ગૌરવની ક્ષણ સર્જી છે. તેઓ WOW Awards Asia 2026માં ‘બેસ્ટ મેલ એમસી ઑફ ધ યર – વેડિંગ્સ’ શ્રેણીમાં ગોલ્ડ એવોર્ડ મેળવનારા ગુજરાતમાં કાર્યરત પ્રથમ એન્કર બન્યા છે. મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાયેલા સમારોહમાં તેમને આ પ્રતિષ્ઠિત સન્માન એનાયત કરવામાં આવ્યું.
આ અવસરે શિવરામસિંહ ચૂડાસમાએ જણાવ્યું, “એક સમય હતો જ્યારે બોલીવૂડ જ મારું સપનું અને સૌથી મોટું સ્ટેજ હતું. પછી મેં નક્કી કર્યું કે મારા સ્ટેજને જ બોલીવૂડ જેટલું મોટું બનાવવું છે. આજે મારું દરેક વેડિંગ અને કોર્પોરેટ સ્ટેજ જ મારા માટે બોલીવૂડ છે. આ મંચો પરથી હું આપણા દેશની સાહિત્યિક, આધ્યાત્મિક, ઐતિહાસિક અને સાંગીતિક વિરાસતને વાર્તાઓ, કવિતાઓ અને સંવાદોના સ્વરૂપે લોકો સુધી પહોંચાડી રહ્યો છું. મારા માટે એન્કરિંગ માત્ર વ્યવસાય નથી; ભારતની સંસ્કૃતિને જીવંત રાખવાનું સાધન છે. આ મંચ પરથી દેશની વાર્તાઓ અને કવિતાઓ પીરસવી એ જ મારા માટે સાચી રાષ્ટ્રભક્તિ છે.”
આ એવોર્ડ તેમને અમદાવાદના અગ્રણી ઉદ્યોગપતિ સંજય અગ્રવાલના પુત્ર ધનંજય અને પુત્રવધૂ માનવીના ભવ્ય પાંચ દિવસીય લગ્નોત્સવના અદ્વિતીય સંચાલન બદલ મળ્યો છે. ગણેશ સ્થાપનથી લઈને લાગણીસભર મામેરું, કૃષ્ણનો સાથવારો, ડાયરો, સંગીત, બારાત અને વરમાળા સુધી દરેક પ્રસંગને તેમણે પોતાની અસરકારક રજૂઆત, સાંસ્કૃતિક અભિવ્યક્તિ અને જીવંત સંવાદોથી યાદગાર બનાવ્યો. ખાસ કરીને દેશ-વિદેશથી આવેલા મહેમાનોને ભારતીય અને ગુજરાતી પરંપરાઓનું મહત્વ સરળ, રસપ્રદ અને ભાવસભર રીતે સમજાવવાની તેમની શૈલીને વિશેષ પ્રશંસા મળી. સમગ્ર ઇવેન્ટનું આયોજન આકાશ શાહ – આર્ટિસ્ટ્રી ઇવેન્ટ્સ દ્વારા કરવામાં આવ્યું હતું.
અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ત્રણેય ભાષાઓ પર સમાન પકડ ધરાવતા શિવરામસિંહ પોતાની એન્કરિંગમાં સંસ્કૃતના શ્લોકો, સુભાષિતો, ઉર્દૂની શેર-ઓ-શાયરી તેમજ ગુજરાતી, હિન્દી અને ભારતીય સાહિત્યને સહજ રીતે ગૂંથીને એક અનોખો અનુભવ સર્જે છે. આ જ તેમની ઓળખ છે અને તેમને દેશના સૌથી બહુમુખી એન્કરોમાં સ્થાન અપાવે છે.


