રાઇડમાં બેસવા લોકોના ખિસ્સા હળવા થશે, લોકમેળામાં પ્લોટના ભાવમાં વધારાની શકયતા
૧૧ના વધારા સાથે આ વર્ષે ૨૨૮ પ્લોટની હરરાજી કરાશે : ટેન્ડર ફીમાં ૧૦ ટકા સૂધીના વધારાની સંભાવના
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાતીગળ લોકમેળો આ વખતે પણ રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાવાનો છે ત્યારે આગામી તા.2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા આ મેળામાં રાઇડસ રાખવા માટેના પ્લોટના ભાડાના 5 થી 10 ટકાનો વધારો થવાનો છે. જેથી લોકો માટે ટિકિટના દર પણ વધે તેવી પૂરેપૂરી શક્યતા છે. ગત વર્ષે નાની રાઈડના રૂ.35 અને મોટી યાંત્રિક રાઈડના રૂ.50 રાખવામાં આવ્યા હતા. વહીવટી તંત્ર જો વેપારીઓ પર ભાડા વધારો ઝીંકશે તો વેપારીઓ ટિકિટના દર વધારી લોકો પર બોજો નાખશે.
કલેકટર કચેરીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વખતે રાજકોટના જન્માષ્ટમી લોકમેળામાં સ્ટોલ અને પ્લોટની સંખ્યા વધીને 228 થવાની છે. આ વખતે 11 સ્ટોલ અને પ્લોટનો વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સાથે જ પ્લોટમાં જે રાઇડસ રાખવામાં આવે છે. તેની ટેન્ડર ફીમાં 5 થી 10 ટકાનો વધારો થવા જઈ રહ્યો છે. જેથી કહી શકાય કે વેપારીઓ દ્વારા ફજત ફાળકા સહિતની રાઇડ્સમાં ટિકિટના દરમાં વધારો કરવા માટેની માંગ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે જેને કારણે વેપારીઓને વહીવટી તંત્ર વચ્ચે રકઝક થાય તેવી પરિસ્થિતિ છે. જોકે કલેક્ટર દ્વારા એક બે દિવસમાં પ્લોટ અને સ્ટોલ રાખવા માટેના ફોર્મ ભરવાનું શરૂ કરવાની જાહેરાત કરવામાં આવશે.
રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા રેસકોર્સના મેદાનમાં આગામી તા.2 થી 6 સપ્ટેમ્બર, 2026 દરમિયાન પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળાને આકર્ષક શીર્ષક આપવાની પ્રથાને અનુસરતા આ વર્ષે પણ નગરજનો પાસેથી લોકમેળાનાં નામકરણ માટે આકર્ષક શીર્ષકો મંગાવવામાં આવે છે. નગરજનોએ રાજકોટના લોકમેળા માટે તેમનું સૂચિત શીર્ષક તા.22 જુલાઈ, 2026ના રાત્રે 23.59 કલાક સુધી ગૂગલ ફોર્મ લિંક https://forms.gle/baqQAMDrrHhsN2p6A અથવા આપેલ ક્યુઆર કોડ સ્કેન કરીને વિગતો ભરીને આપવાનું રહેશે. આ લિંક પ્રાદેશિક માહિતી કચેરી -રાજકોટનાં અધિકૃત ફેસબુક પેજ Info Rajkot GoG , ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ inforajkotgog અને એક્સ એકાઉન્ટ Info Rajkot GoG પરથી પણ મેળવી શકાશે. મેળાનાં નામ તરીકે પસંદગી પામેલ શીર્ષક આપનાર વિજેતા સ્પર્ધકને રૂ.5000 ના રોકડ પુરસ્કારથી નવાજવામાં આવશે.


