વેરાવળ ફિશરીઝ હાર્બર પર જિલ્લા કલેક્ટરની સરપ્રાઈઝ વિઝીટ
પ્રોજેક્ટની કામગીરીનું કર્યું નિરીક્ષણ : આધુનિક ટેકનોલોજી, સ્વચ્છતા અને માછીમારોને કેન્દ્રમાં રાખી વિકાસ માટે સૂચનો
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર જીતેન્દ્રસિંહ એન. વાઘેલાએ વેરાવળ સ્થિત ફિશરીઝ હાર્બરની અચાનક મુલાકાત લઈ ચાલી રહેલા વિકાસકાર્યોનું સ્થળ પર જ નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે હાર્બર ખાતે અમલમાં રહેલા વિવિધ પ્રોજેક્ટોની પ્રગતિ, ઉપલબ્ધ સુવિધાઓ તેમજ ભાવિ વિકાસ યોજનાઓ અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી.
જિલ્લા કલેક્ટરે હાર્બરનો સમગ્ર વિસ્તાર નિહાળી કામગીરીની ગુણવત્તા, સમયમર્યાદા તેમજ સુવિધાઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે વેરાવળ ફિશરીઝ હાર્બરને આધુનિક ટેકનોલોજીથી સજ્જ, સુવ્યવસ્થિત અને માછીમારો તેમજ ફિશરીઝ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ સ્ટેકહોલ્ડર્સ માટે વધુ ઉપયોગી બનાવવામાં આવે.
મુલાકાત દરમિયાન કલેક્ટરે હાર્બર વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સ્વચ્છ, સુરક્ષિત અને સુવિધાસભર હાર્બર માત્ર માછીમારો માટે જ નહીં પરંતુ સમગ્ર ફિશરીઝ ઉદ્યોગના વિકાસ માટે પણ મહત્વપૂર્ણ છે. માછલીઓના હેન્ડલિંગ, સ્ટોરેજ, પરિવહન તેમજ અન્ય જરૂરી સુવિધાઓને વધુ અસરકારક બનાવવા માટે પણ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
પ્રોજેક્ટની કામગીરીમાં ગુણવત્તા સાથે સમયસર પૂર્ણતા સુનિશ્ચિત કરવા તેમજ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આયોજનબદ્ધ વિકાસ કરવા માટે પણ જિલ્લા કલેક્ટરે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે અધિકારીઓને વિવિધ વિભાગો વચ્ચે વધુ સારો સંકલન જાળવી કામગીરી આગળ વધારવા જણાવ્યું હતું.
જિલ્લા કલેક્ટરની મુલાકાત દરમિયાન ગુજરાત મેરીટાઈમ બોર્ડ (GMB)ના પોર્ટ અધિકારી પંચાલ, ફિશરીઝ વિભાગના અધિકારી કોટિયા, MPEDAના અધિકારી કિશોરભાઈ વાણીયા, અધિક જિલ્લા કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી જૈમીન કાકડિયા સહિત GMB, ફિશરીઝ અને રેવન્યુ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ કલેક્ટરને પ્રોજેક્ટની હાલની સ્થિતિ, આગામી આયોજન અને વિવિધ વિકાસકાર્યો અંગે વિગતવાર માહિતી આપી હતી.


