મામલતદાર કચેરીમાં આવકના દાખલા, અન્ય પ્રમાણપત્રો માટે અરજદારોને ધક્કા
કલેકટર કચેરીમાં GSWAN સર્વર ઠપ્પ થતા કામગીરી ખોરવાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ કલેકટર કચેરી ખાતે GSWAN નું સર્વર બંધ થતા શહેરની ચારેય મામલતદાર કચેરીમાં બપોર બાદ આવકના દાખલા સહિતની કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. LT (લો ટેન્શન) માંથી HT (હાઈ ટેન્શન) લાઇનના શિફ્ટિંગ દરમિયાન GSWAN (ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક) નું કનેક્શન આપવાનું બાકી રહી જતા આ પરિસ્થિતિ સર્જાઈ હતી. જોકે આ બાદ તુરંત જ PGVCL ની રાજકોટ સીટી સર્કલની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને GSWAN ના છેડા આપવાની કામગીરી કરવામાં આવી હતી.
PGVCLના રાજકોટ સિટી સર્કલના સુપ્રિટેન્ડિંગ એન્જિનિયર ટી.એન.વોરાએ દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે, રાજકોટ કલેકટર કચેરીમાં લો ટેન્શન લાઈનને હાઈ ટેન્શન લાઈનમાં શિફ્ટ કરવાની હતી. રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના સંકલનમાં રહીને આ કામગીરી ચાલી રહી હતી. જ્યાં 3 વીજ કનેક્શન લો ટેન્શન લાઇનના હતા. જ્યાં હાઈ ટેન્શન લાઇન નાખવામાં આવી. જોકે બાદમાં ખ્યાલ આવ્યો કે આ નવી લાઇનમાં GSWAN નું કનેક્શન આપવાનું કલેક્ટર કચેરી દ્વારા ભુલાઈ ગયું. જેને લીધે GSWAN પોર્ટલ બંધ થઈ ગયું. આજે 15 જુલાઈના બપોરે 3.30 વાગ્યા આસપાસ GSWAN બંધ થઈ ગયું હતું. જેથી ટીમને ત્યાં મોકલી આપવામાં આવી છે.
આ બાબતે કલેક્ટર કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર, GSWANની સેવા અંદાજે 2 કલાકથી વધુ સમય બંધ રહી. જેને કારણે તમામ ઑનલાઇન સરકારી કામગીરી ઠપ થઈ ગઈ. રાજકોટ શહેરની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ઉપરાંત તાલુકા મામલતદાર કચેરી ખાતે સર્વર ઠપ થઈ જતા આવકનો દાખલો અને EWS સર્ટિફિકેટ આવતા લોકોને ધક્કો થયો. જો કે થોડા સમય બાદ GSWAN સર્વર ફરી શરૂ થઈ ગયાનું જાણવા મળી રહ્યું છે.


