રાજકોટ જિલ્લામાં પાણીની સમસ્યાના ઉકેલ માટે જળાશયોની ક્ષમતા વધારવા તાકીદ
સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાની અધ્યક્ષતામાં ‘દિશા’ સમિતિની બેઠક યોજાઈ
૩૩ કચેરીઓ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની સર્વગ્રાહી સમીક્ષા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાની અધ્યક્ષતામાં ‘દિશા’ સમિતિ (ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરિંગ કમિટી)ની બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે મેયર નેહલભાઈ શુક્લા, જિલ્લા કલેક્ટર ડો. ઓમપ્રકાશ, જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા, ધારાસભ્યો ડો. દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ બેઠકમાં ૩૩ કચેરીઓ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ જેવી કે અમૃત ૨.૦, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન તેમજ માર્ગ અને મકાન વિભાગના પ્રગતિ હેઠળના વિકાસલક્ષી કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. આ તકે સાંસદે અષાઢી બીજની શુભેચ્છા પાઠવ્યા બાદ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.
સાંસદે રાજકોટ જિલ્લાના જળાશયો બારેમાસ ભરાયેલા રહે, ચેકડેમોની ક્ષમતા વધારવા, વોટર રીસોર્સિંગ ડેવલપમેન્ટ તેમજ નદી કાંઠે ગંદા પાણીનો પ્રવાહ ન ભળે અને બંને પ્રવાહ અલગ રહે તે પ્રકારની મજબૂત વ્યવસ્થા ગોઠવવા પર ભાર મૂક્યો હતો. વધુમાં તેમણે આવાસ યોજના હેઠળ ટેન્ડર પ્રક્રિયા અને આવાસ એલોટમેન્ટ વિશે માર્ગદર્શન આપ્યું હતું. વિંછીયા ખાતે કસ્ટમ હાયરિંગ સેન્ટરમાં ખેડૂતોને ટ્રેક્ટર અને રોટાવેટર સહિતના ખેતીલક્ષી સાધનો ભાડે આપવાની કામગીરીની ચર્ચા કરી હતી. ઉપરાંત, પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોનું ઓનલાઇન રજીસ્ટ્રેશન અને સોઈલ હેલ્થ કાર્ડ તેમજ પશુપાલન કચેરીની વિવિધ યોજનાઓ, પશુઓની વિવિધ જાતો મુજબ નોંધણીની કામગીરીની છણાવટ કરી હતી. શાળાઓમાં માનવ સંસાધન, સમગ્ર શિક્ષા ગ્રાન્ટના પ્રગતિ અહેવાલ, ઈત્તર પ્રવૃત્તિઓ, આંગણવાડીઓના બાંધકામનું વિશ્લેષણ તેમજ ‘ભાર વિનાનું ભણતર’ સૂત્ર સાર્થક કરવા જણાવ્યું હતું.
વધુમાં, સાંસદએ રાજકોટ નગરની આસપાસના લોકોની સુખાકારી માટે પર્યાવરણ અને જળસંચયને લગતા પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવા સૂચના આપી હતી. આયુષ્માન કાર્ડની ૦૩ વર્ષની વેલિડિટી બાબતે રિન્યુઅલની કામગીરી થાય તથા આ બાબતે નાગરિકોમાં જાગૃતિ ફેલાઈ તેવી વ્યવસ્થા ગોઠવવા પર ભાર મૂક્યો હતો. રાજકોટના ખેલાડીઓ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ભાગ લઈ શકે તે માટે સક્ષમ બનાવવા જરૂરી સવલતો ઉભી કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉપરાંત, લીડ બેન્ક, નાબાર્ડ, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, બી.એસ.એન.એલ., પી.જી.વી.સી.એલ., ગુજરાત ગ્રીન રીવોલ્યુએશન કંપનીની કામગીરીની ચર્ચા કરી હતી.
બેઠકમાં કલેક્ટર દ્વારા ધારાસભ્યોએ રજૂ કરેલા પ્રશ્નો અને જિલ્લાના પ્રગતિ હેઠળ અને આગામી દિવસોમાં થનારા વિકાસ કાર્યો અંગે સવિસ્તર ચર્ચા-પરામર્શ કરીને આવશ્યક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ આ બેઠકના અંતે કલેક્ટરે ‘માય ભારત’ એપ્લિકેશન પર જિલ્લાના તમામ યુવાનોનું રજીસ્ટ્રેશન થાય તે બાબતની કાળજી લેવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એ. કે. વસ્તાણી, આસિસ્ટન્ટ કલેક્ટર ટીનાબેન કલ્યાણ, નિવાસી અધિક કલેક્ટર જે.એચ. બારોટ, અધિક કલેક્ટર ઇલાબેન ચૌહાણ સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


