કોઠારીયા-આણંદપર રોડ પર અકસ્માતમાં 21 વર્ષના યુવાનનું કરુણ મોત
દહીંસરાનો યુવાન વાડીએથી ગામ તરફ જતાં અકસ્માતનો ભોગ બન્યો ; સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડ્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ-મોરબી હાઇવે પર કોઠારીયા અને આણંદપર (બાઘી) વચ્ચે થયેલા માર્ગ અકસ્માતમાં જસદણ તાલુકાના દહીંસરા ગામના 21 વર્ષીય યુવાનનું કરુણ મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. અકસ્માત બાઇક સ્લીપ થવાથી થયો કે પછી કોઈ અજાણ્યા વાહનની ટક્કરથી સર્જાયો, તે અંગે કુવાડવા રોડ પોલીસે તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, હાર્દિક મુકેશભાઈ માલકીયા (ઉ.વ. 21) પોતાના પરિવાર સાથે છેલ્લા પંદરેક દિવસથી કોઠારીયા વિસ્તારમાં વાડી વાવવા માટે રહેવા આવ્યા હતા. સાંજના સમયે હાર્દિક બાઇક લઈને વાડીમાંથી ગામ તરફ જરૂરી વસ્તુ લેવા નીકળ્યો હતો. આ દરમિયાન કોઠારીયા-આણંદપર માર્ગ પર અકસ્માત સર્જાતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ રોડ પર પટકાયો હતો.
ઘટનાની જાણ થતાં પરિવારજનો અને સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા અને હાર્દિકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે ડોક્ટરોની તમામ પ્રયાસો છતાં મોડી રાત્રે તેણે અંતિમ શ્વાસ લીધા હતા.
હોસ્પિટલ ચોકી દ્વારા જાણ કરવામાં આવતા કુવાડવા રોડ પોલીસ ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં અકસ્માતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી. બાઇક સ્લીપ થઈ હતી કે પછી કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી ફરાર થઈ ગયું હતું, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
મૃતક હાર્દિક બે ભાઈઓમાં મોટો અને અપરિણીત હતો. આશાસ્પદ યુવાનના અચાનક નિધનથી માલકીયા કોળી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવારજનો માટે નવી જગ્યાએ વસવાટ શરૂ કર્યા બાદ જ આ દુર્ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં પણ ગમગીનીનું વાતાવરણ છવાઈ ગયું છે.


