ગેરકાયદે હથિયારોની લે-વેચ મામલે વધુ 3 શખ્સોને 3 દેશી પિસ્ટલ સાથે ઝડપી લેતું PCB
અષાઢી બીજની રથયાત્રા પૂર્વે પોલીસની તાબડતોબ કાર્યવાહી : વેપન કાર્ટેલ રેકેટમાં અત્યાર સુધી 11 આરોપી, 24 દેશી પિસ્ટલ અને 32 જીવતા કાર્ટૂસ જપ્ત
અગ્ર ગુજરાત, રાજકોટ
અષાઢી બીજની રથયાત્રા પૂર્વે રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર પોલીસ સતત એક્શનમાં જોવા મળી રહી છે. ગેરકાયદેસર હથિયારોના વેપાર સામે ચાલી રહેલી ઝુંબેશમાં પી.સી.બી. શાખાએ વધુ એક મોટી સફળતા મેળવી છે. ગેરકાયદેસર હથિયારોનું વેચાણ કરતી કથિત ‘વેપન કાર્ટેલ’ સાથે સંકળાયેલા વધુ ત્રણ શખ્સોને દેશી બનાવટની ત્રણ પિસ્ટલ સાથે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના માર્ગદર્શન હેઠળ અને પી.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયાની દેખરેખમાં ચાલી રહેલી તપાસ દરમિયાન અગાઉ ઝડપાયેલા આરોપી પ્રદીપભાઈ અનકભાઈ કરપડાની પૂછપરછમાં મહત્વની માહિતી સામે આવી હતી. આરોપીએ ગેરકાયદેસર દેશી પિસ્ટલો ધૃવ ગૌસ્વામી, જયરાજ ખાચર અને શ્યામ પરમારને આપ્યાની કબૂલાત કરતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓને 3 દેશી બનાવટની પિસ્ટલ સાથે દબોચી લીધા હતા.
પોલીસના જણાવ્યા મુજબ આ સમગ્ર ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં ‘વેપન કાર્ટેલ’ના કુલ 11 આરોપીઓ પોલીસના સકંજામાં આવી ચૂક્યા છે. તેમની પાસેથી કુલ 24 દેશી બનાવટની પિસ્ટલ અને 32 જીવતા કાર્ટૂસ જપ્ત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી શહેરમાં ગેરકાયદેસર હથિયારોના નેટવર્કને મોટો ફટકો પડ્યો હોવાનું માનવામાં આવે છે.
ઝડપાયેલા આરોપીઓમાં હુડકો ચોકડી વિસ્તારમાં રહેતો ધૃવ ઉર્ફે કનૈયો સુનીલગીરી ગૌસ્વામી (ઉ.વ. 21), સુરેન્દ્રનગર જિલ્લાના ખેરડી ગામનો જયરાજ ઉર્ફે લાલો પીઠુભાઈ ખાચર (ઉ.વ. 34) અને ચોટીલાના હરીધામ સોસાયટીમાં રહેતો ટ્રક ડ્રાઈવર શ્યામ રાજુભાઈ પરમાર (ઉ.વ. 21)નો સમાવેશ થાય છે. તેમની પાસેથી અંદાજે રૂ.30 હજાર કિંમતની ત્રણ દેશી બનાવટની પિસ્ટલ કબજે કરવામાં આવી છે.
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી જયરાજ ઉર્ફે લાલો ખાચર સામે અગાઉ હત્યા, હત્યાના પ્રયાસ, મારામારી, એટ્રોસિટી અને પ્રોહિબિશન એક્ટ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જેના કારણે પોલીસ હવે આ સમગ્ર હથિયાર સપ્લાય ચેઇનના અન્ય કડીઓ સુધી પહોંચવા માટે વધુ તપાસ ચલાવી રહી છે.
પી.સી.બી.ની આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયા, પી.એસ.આઈ. પી.બી. ત્રાજીયા, આર.કે. જાડેજા તથા પી.સી.બી.ની સમગ્ર ટીમે સંયુક્ત રીતે પાર પાડી હતી. શહેર પોલીસનું માનવું છે કે રથયાત્રા પૂર્વે કરવામાં આવેલી આ કાર્યવાહીથી શહેરમાં ગેરકાયદેસર હથિયારોના ઉપયોગને રોકવામાં મહત્વની સફળતા મળશે.


