ભક્તિનગર ખાતે ચિત્રકલા, નિબંધ લેખન અને ‘સેલ્ફી વિથ સ્ટેશન’ સ્પર્ધા યોજાઇ
૧૧ શાળાઓના ૭૫૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ કલાનું પ્રદર્શન કર્યુ
અગ્ર ગુજરાત, રાજકોટ
અમૃત ભારત સ્ટેશન યોજના (ABSS) હેઠળ પુનર્વિકસિત ભક્તિનગર રેલવે સ્ટેશનના ૧૭ જુલાઈ, ૨૦૨૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી થનારા ઉદ્ઘાટન સમારોહના ઉપલક્ષ્યમાં વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, જનજાગૃતિ તથા રાષ્ટ્ર નિર્માણ પ્રત્યે સકારાત્મક વિચાર વિકસાવવાના ઉદ્દેશ્ય સાથે ૧૨ થી ૧૫ જુલાઈ, ૨૦૨૬ સુધી ચિત્રકલા, નિબંધ લેખન અને ‘સેલ્ફી વિથ સ્ટેશન’ સ્પર્ધાઓનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
નિબંધ લેખન સ્પર્ધાનો વિષય – “મારા શહેરનું વિકસિત સ્ટેશન કેવું હશે?” હતો, જ્યારે ચિત્રકલા સ્પર્ધાનો વિષય – “વિકસિત ભારતના નિર્માણમાં હું શું યોગદાન આપીશ?” રાખવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાના માર્ગદર્શન હેઠળ તથા સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસર અમૃત વી. સોલંકીના નેતૃત્વ અને સુપરવિઝનમાં કલ્યાણ નિરીક્ષકોની ટીમ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર ભક્તિનગર-રાજકોટ વિસ્તારની ૧૧ પ્રતિષ્ઠિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આશરે ૭૫૦ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં એ.એસ. ચૌધરી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, જી.ટી. હાઇસ્કૂલ ફોર ગર્લ્સ, સરોજિની નાયડુ ગર્લ્સ હાઇસ્કૂલ, પી.વી. મોદી હાઇસ્કૂલ, કરણસિંહજી હાઇસ્કૂલ, લાલ બહાદુર કન્યા વિદ્યાલય, રમેશભાઈ છાયા કન્યા વિદ્યાલય, મા આનંદમયી કન્યા વિદ્યાલય તથા એસ.જી. બધાણી સરસ્વતી માધ્યમિક શાળા સહિત અન્ય શાળાઓના છાત્રોએ સહભાગિતા નોંધાવી હતી.
વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મક પ્રતિભા, કલ્પનાશીલતા તેમજ અભિવ્યક્તિ કૌશલ્યનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ચિત્રો, પોસ્ટરો અને નિબંધોના માધ્યમથી વિકસિત ભારતની પરિકલ્પના, સામાજિક સરોકાર તથા ભારતીય રેલવેના વિકાસ અને આધુનિકીકરણ પ્રત્યેના પોતાના સકારાત્મક વિચારોને પ્રભાવશાળી રીતે રજૂ કર્યા હતા.
આ સ્પર્ધાઓનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં અમૃત ભારત સ્ટેશન યોજના, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ તથા ભારતીય રેલવેના વિકાસ અને આધુનિકીકરણ પ્રત્યે જાગૃતિ કેળવવાનો હતો.
’સેલ્ફી વિથ સ્ટેશન’ સ્પર્ધા અંતર્ગત શાળાના બાળકોએ પુનર્વિકસિત ભક્તિનગર રેલવે સ્ટેશનના આકર્ષક ભવનના બેકગ્રાઉન્ડમાં સામૂહિક તેમજ વ્યક્તિગત તસવીરો ખેંચાવીને આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવી હતી.
વિવિધ સ્પર્ધાઓમાં પસંદ થયેલા આશરે ૯૦ વિજેતા વિદ્યાર્થીઓ અને તેમના શિક્ષકોને ૧૭ જુલાઈ, ૨૦૨૬ના રોજ યોજાનારા ઉદ્ઘાટન સમારોહમાં પ્રશસ્તિ-પત્ર અને સ્મૃતિચિહ્ન એનાયત કરી સન્માનિત કરવામાં આવશે.


