વી. એમ. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદ દ્વારા
‘આયુગ્રામ 3.0′ અંતર્ગત “સ્વસ્થ ઇન્દ્રિય, સ્વસ્થ ઇન્ડિયા” વિષયક નિષ્ણાંત વ્યાખ્યાન યોજાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
આણંદપર, રાજકોટ સ્થિત ગાર્ડી વિદ્યાપીઠ સાથે સંકળાયેલ વી. એમ. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદ દ્વારા ‘આયુગ્રામ 3.0’ અંતર્ગત “સ્વસ્થ ઇન્દ્રિય, સ્વસ્થ ઇન્ડિયા” વિષય પર નિષ્ણાંત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના શાલાક્યતંત્ર વિભાગના એસોસિએટ પ્રોફેસર અને વિભાગાધ્યક્ષ ડૉ. જયેશ આર. કાત્રોડિયા દ્વારા આયુર્વેદના દૃષ્ટિકોણથી આંખ, કાન, નાક, જીભ અને ત્વચા સહિત પાંચેય ઇન્દ્રિયોના સ્વાસ્થ્યનું મહત્વ સરળ અને વૈજ્ઞાનિક અભિગમ સાથે સમજાવવામાં આવ્યું હતું. તેમણે બદલાતી જીવનશૈલી, ડિજિટલ સ્ક્રીનનો વધતો ઉપયોગ, પ્રદૂષણ તેમજ ખોટી આહાર-વિહારની આદતોના ઇન્દ્રિયોના સ્વાસ્થ્ય પર પડતા પ્રભાવ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ દિનચર્યા, ઋતુચર્યા, સદવૃત, નસ્ય, શિરોઅભ્યંગ, યોગ તથા આયુર્વેદમાં વર્ણવાયેલા સરળ અને અસરકારક પ્રતિરક્ષાત્મક ઉપાયો અંગે માહિતગાર કર્યા હતા.
વ્યાખ્યાનમાં વિદ્યાર્થીઓને વિવિધ ક્લિનિકલ ફોટોગ્રાફ્સ, પ્રાયોગિક ઉદાહરણો અને પ્રશ્નોત્તરી દ્વારા વિષયને રસપ્રદ રીતે સમજાવવામાં આવ્યો હતો, જેના કારણે ઉપસ્થિત સૌમાં ઉત્સાહ અને જિજ્ઞાસા જોવા મળી હતી. વ્યાખ્યાનમાં વી. એમ. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓ, ઇન્ટર્ન્સ તેમજ સંસ્થાના અધ્યાપકગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમે વિદ્યાર્થીઓમાં આયુર્વેદ પ્રત્યે વિશ્વાસ વધારવાની સાથે સ્વસ્થ ઇન્દ્રિયોના સંરક્ષણ અંગે વ્યવહારિક સમજ વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ કાર્યક્રમના અંતે સંસ્થાના એકેડેમિક કો-ઓર્ડિનેટર ડૉ. પ્રતીક મહેતાના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત વિદ્યાર્થીઓ, ઇન્ટર્ન્સ તથા અધ્યાપકગણને “ઇન્દ્રિય આરોગ્ય શપથ” ગ્રહણ કરાવવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સુચારુ અને અસરકારક સંચાલન ચીફ કો-ઓર્ડિનેટર ડૉ. વિદ્યાધર બાલિકાઈ તથા કાર્યક્રમ કો-ઓર્ડિનેટર ડૉ. પ્રવીણા એમ. વી. દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની સફળતા બદલ સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર જય મેહતા તથા પ્રિન્સિપાલ ડૉ. રવિકાંત ગોયલ સાહેબ એ તમામ આયોજન સમિતિ, વક્તા, અધ્યાપકગણ અને ઉપસ્થિત વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ભાવિમાં પણ આયુર્વેદના જનજાગૃતિમૂલક કાર્યક્રમો વધુ વ્યાપક રીતે યોજવાની શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.


