મહાનગર પાલિકાની ગ્રાન્ટમાંથી વીજ થાંભલા ઉભા કરવા ડૉ. પરેશ ઠાકરની રજૂઆત
કોર્પોરેટરની ગ્રાન્ટમાં થતી કામગીરીમાં ફેરફાર કરવા માંગ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગર પાલિકાની લાઈટિંગ કમિટીના ચેરમેન તથા વોર્ડ નં. ૧ના કોર્પોરેટર ડૉ. પરેશ ઠાકરે મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરીને કોર્પોરેટરોને ફાળવવામાં આવતી ગ્રાન્ટમાંથી વીજ થાંભલા ઉભા કરવાની વર્તમાન પદ્ધતિમાં ફેરફાર કરવાની માંગણી કરી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે કોર્પોરેટરની ગ્રાન્ટ મર્યાદિત અને ખૂબ જ ઓછી હોય છે. આ ગ્રાન્ટમાંથી વિસ્તારમાં રસ્તા, ગટર, પેવર બ્લોક, પાણી, સ્ટ્રીટલાઈટ સહિતના અનેક નાના-મોટા વિકાસના કામો કરવા પડતા હોવાથી વીજ થાંભલા ઉભા કરવામાં જ મોટાભાગની ગ્રાન્ટ ખર્ચાઈ જાય છે. પરિણામે અન્ય જરૂરી વિકાસ કાર્યો માટે પૂરતી રકમ ઉપલબ્ધ રહેતી નથી.
ડૉ. પરેશ ઠાકરે રજૂઆતમાં સૂચવ્યું છે કે જ્યા માનવી ત્યાં સુવિધા ના મંત્ર ને ધ્યાને લઇ શહેરમાં જ્યાં નવા વીજ થાંભલાઓની જરૂરિયાત હોય ત્યાં તે કામગીરી કોર્પોરેટરની ગ્રાન્ટને બદલે સીધી રાજકોટ મહાનગર પાલિકાની ગ્રાન્ટમાંથી કરવામાં આવે. આમ કરવાથી કોર્પોરેટરની ગ્રાન્ટનો ઉપયોગ વિસ્તારના અન્ય પ્રાથમિક વિકાસ કાર્યોમાં થઈ શકશે અને નાગરિકોને વધુ વ્યાપક લાભ મળશે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિક સુવિધાઓને વધુ અસરકારક બનાવવા માટે મહાનગર પાલિકાની ગ્રાન્ટમાંથી વીજ થાંભલાઓ ઉભા કરવાની નીતિ અપનાવવી સમયની માંગ છે. તેનાથી કોર્પોરેટરો પોતાના વિસ્તારમાં લોકોની જરૂરીયાત મુજબ વધુ વિકાસલક્ષી કામો કરી શકશે. આ અંગે ડૉ. પરેશ ઠાકરે મ્યુનિસિપલ કમિશનરને હકારાત્મક નિર્ણય લઈ યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી છે.


