ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા દ્વારા આરોગ્ય જાગૃતિ સેમિનાર યોજાયો
સંતુલિત આહાર, સ્વસ્થ જીવનશૈલી અંગે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન
અગ્ર ગુજરાત, રાજકોટ
ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના કોર્પોરેટરો, સંગઠનના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં આરોગ્ય જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેમિનારમાં આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાત ડૉક્ટર અને ન્યુટ્રિશનિસ્ટ દ્વારા સ્વસ્થ જીવનશૈલી, દૈનિક જીવનમાં યોગ્ય અને સંતુલિત આહારનું મહત્વ, પોષણયુક્ત ખોરાકની પસંદગી, જીવનશૈલીજન્ય રોગોથી બચવાના ઉપાયો તેમજ નિયમિત કસરત અને આરોગ્યપ્રદ જીવનશૈલી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. ઉપસ્થિત કોર્પોરેટરો અને પદાધિકારીઓએ પણ વિવિધ આરોગ્યલક્ષી મુદ્દાઓ અંગે પ્રશ્નોત્તરી કરી ઉપયોગી માહિતી મેળવી.
આ પ્રસંગે સંબોધન કરતાં સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, “સ્વસ્થ સમાજ જ સમૃદ્ધ સમાજનું પાયાનું બળ છે. સમાજના દરેક વ્યક્તિ સુધી આરોગ્ય અંગેની સાચી માહિતી પહોંચે અને લોકો આરોગ્યલક્ષી સાવચેતી તરફ વધુ જાગૃત બને તે આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. જનપ્રતિનિધિઓએ પણ સમાજમાં આરોગ્ય જાગૃતિના અભિયાનને વધુ વેગ આપવો જોઈએ.”
ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે, “જનસેવાનો સાચો અર્થ માત્ર વિકાસના કાર્યો પૂરતો મર્યાદિત નથી, પરંતુ લોકોના આરોગ્ય અને સુખાકારી માટે પણ સતત કાર્ય કરવું એટલું જ જરૂરી છે. આવા માર્ગદર્શક સેમિનારોથી જનપ્રતિનિધિઓને સમાજમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવા વધુ પ્રેરણા અને દિશા મળે છે.”
આ કાર્યક્રમમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, રાજકોટના મેયર નેહલભાઈ શુક્લ, શાશક પક્ષના નેતા હિરેનભાઇ ખીમાણિયા રાજકોટ શહેર ભાજપ મહામંત્રી યોગેન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા સહિત શહેરના કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


