કેશુભાઇ મહેતા આંખની હોસ્પિટલના ૧૨૧ વર્ષ પૂર્ણ થતા નેત્ર નિદાન કેમ્પ
નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓનું નિદાન કરાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટની જાણીતી અને સૌરાષ્ટ્રની વિશ્વસનીય આંખની સારવાર કરતી કેશુભાઈ મહેતા આંખની હોસ્પિટલ જે ગુજરાતની અગ્રગણ્ય હોસ્પિટલોમાં સ્થાન ધરાવે છે, તેને આ વર્ષે પોતાની સ્થાપનાના ગૌરવપૂર્ણ ૧૨૧ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. વર્ષ ૧૯૦૫માં સ્થાપાયેલી આ હોસ્પિટલ માત્ર એક તબીબી સંસ્થા નથી, પરંતુ ચાર પેઢીઓથી અવિરત સેવા, વિશ્વાસ, નૈતિકતા અને આંખની આધુનિક સારવારનો જીવંત વારસો છે.
૧૨૧ વર્ષની સેવા યાત્રાના ભાગરુપે આગામી સમયમાં રાજકોટ અને સૌરાષ્ટ્ર આસપાસના વિસ્તારોમાં નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પના આયોજન થવા જઈ રહ્યા છે, જે પૈકીનો પ્રથમ કેમ્પ રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે અને ત્યારબાદ રાજકોટ મેસોનિક હોલ ખાતે યોજાશે. માનનીય ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા તથા નિર્વાણ વેલફેર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે મોતિયાનું ઓપરેશન તથા નેત્રમણી લેન્સ આરોપણ, જરૂરિયાત મુજબ બેતાલાના ચશ્માની ફ્રેમનું વિનામૂલ્યે વિતરણ તેમજ નિષ્ણાત નેત્રરોગ તબીબો દ્વારા આંખોની તપાસ, નિદાન અને યોગ્ય માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સેવાકીય પહેલનો લાભ લેવા માટે સર્વે જરુરિયાતમંદ નાગરિકોને અપીલ કરવામાં આવી છે. કેમ્પ અંગે વધુ માહિતી અને રજિસ્ટ્રેશન માટે ૮૯૮૦૯ ૦૩૦૩૪ પર સંપર્ક કરી શકાશે.
ડૉ. કેશુભાઈ મહેતાના પુત્ર ડૉ. હેમેન્દ્રભાઈ જરૂરિયાતમંદોની નિઃસ્વાર્થ સેવા માટે સમર્પિત રહ્યા હતા અને સમયાંતરે આરોગ્ય શિબિરોનું આયોજન કરીને સેવાભાવની ઉજ્જવળ પરંપરા સ્થાપી હતી. તેમની નમ્રતા, કરુણા અને સેવાપ્રવૃત્તિ તેમના જમાઈ મનોજભાઈ તુરખિયા માટે પણ પ્રેરણારૂપ બની હતી. હવે આ જ સેવાપરંપરાને આગળ ધપાવતા મનોજભાઈ તુરખિયાએ જરૂરિયાતમંદ દર્દીઓ માટે નેત્રમણી આરોપણમાં ઉદાર આર્થિક સહયોગ આપવાનો સંકલ્પ કર્યો છે.
આ નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પના આયોજનમાં ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા, રાજકોટ જિલ્લા ભાજપ અગ્રણી એડવોકેટ નિલેશભાઈ દોશી, સાગરભાઈ તોતલાણી, ડૉ. અમિતભાઇ હાપાણી અને ડો. ડી. જી. પટેલ સહિતના મહાનુભાવોનું વિશેષ માર્ગદર્શન અને સહયોગ સાંપડયો છે. ડૉ. અજય મહેતા દ્વારા આ સેવાકીય પહેલ થકી વધુમાં વધુ જરૂરિયાતમંદ નાગરિકો સુધી ગુણવત્તાયુક્ત આંખની સારવાર પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે અને જરુરિયાતમંદ લોકોને આગામી સમયમાં યોજાનાર કેમ્પના લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.


