મનપામાં અરજદારોને હવે ઇ-મેલ કે મોબાઇલ વગર મળશે જન્મ-મરણના દાખલા
ઝેરોક્ષની દુકાન સહિત નવી વ્યવસ્થા ઉભુ કરતુ તંત્ર : અરજદારોને ધક્કા નહી ખાવા પડે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મનપા દ્વારા જન્મ અને મરણનો દાખલો મેળવવાની પ્રક્રિયાને વધારે સરળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે કોઈ કારણોસર અરજદારો પાસે તેમનું મેઈલ આઈડી અથવા મોબાઈલ નંબર ઉપલબ્ધ નથી. તેવા અરજદારોની સમસ્યાને ધ્યાને રાખીને મનપા દ્વારા નવી વ્યવસ્થા ઊભી કરી છે. આ નવી સુવિધાથી ડિજિટલ સુવિધાઓથી વંચિત નાગરિકોને મોટી સુવિધા પ્રાપ્ત થશે.
રાજકોટ મનપા દ્વારા જન્મના નવા દાખલાઓ અરજદારોને ઘરે બેઠા ઓનલાઈન મળી રહે તે માટે નવી વ્યવસ્થા કરી છે. તેની સાથે મૃત્યુ પામનાર વ્યક્તિની ફાયર અને મુક્તિ ધામમાં એન્ટ્રી કરાવતી વખતે જે મેલ આઈડી આપેલો છે. તે જ હશે તો અરજદારને ઓનલાઈન જન્મ મરણનો દાખલો મળવાપાત્ર છે. ઘણીવાર મનપાના જન્મ અને મરણ વિભાગમાં અરજીકર્તા મેલ આઈડી ખોટું કે ભૂલ વાળું આપી દે તેથી તેમને દાખલો મળતો નથી. હવે 15 દિવસમાં જ દાખલો ન મળે તો વિભાગમાં 4થી 6ના ગાળામાં મેલ આઈડીમાં સુધારા વધારા કરી અપાશે.
વિભાગના અધિકારી પ્રેરિત જોષીના જણાવ્યા મુજબ, હાલ મનપામાં અંદાજે 1000 જેટલી અરજીઓ આવે છે. જેની સામે દરરોજ 300થી 400 અરજીઓનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. ક્રમબદ્ધ કામગીરી માટે ડ્રોપ બોક્સ પદ્ધતિ લાગુ કરાઈ છે. જેના આધારે ક્રમાનુસાર પ્રોસેસ કરીને અરજદારને ઇ-મેલ આઈડી પર દાખલો મોકલી આપવામાં આવે છે.
જે અરજદારો પાસે ઇ મેલ કે મોબાઈલ નથી તેમના દાખલાની પીડીએફ નજીકના ઝેરોક્સ સેન્ટરના સંચાલકના ઈ-મેલ પર મોકલવામાં આવે છે. જ્યાંથી તે પ્રિન્ટઆઉટ મેળવી શકે છે. તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ઉપરાંત વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, સીઆરએસ પોર્ટલના લીધે ખોટા સર્ટિફિટેકની કામગીરીને ઠપ કરી દેવાઈ છે. પરંતુ સર્વર ડાઉન થવાના પ્રશ્નો વારંવાર ઉદ્ભવે છે. જન્મ-મરણના દાખલાનો 17 વર્ષ જૂનો ડેટા એક જ ઝોનમાં અપલોડ કરવાની મંજૂરી અપાઈ હોવાથી આ સમસ્યાઓ સર્જાવવાનું મુખ્ય કારણ છે . તેથી એક જ યુઝર આઈડીના લીધે એક જ કમ્પ્યૂટર પર કામગીરી ચાલતી હોવાથી ડ્રોપ બોક્સની વ્યવસ્થા ગોઠવાઈ છે.


