રાજકોટની ૨૦થી વધુ ગૌશાળા અને ૭૦ ગૌસેવકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
વિકટ પરિસ્થિતિમાં ગૌધનને બચાવવા માટે સરકારી સ્તરે ત્વરિત પગલાં લેવા રજૂઆત
અગ્ર ગુજરાત, રાજકોટ
સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ગુજરાતના અનેક વિસ્તારોમાં સર્જાયેલી વિકટ દુષ્કાળની પરિસ્થિતિને કારણે ગાય, બળદ સહિતના અબોલ પશુઓ માટે લીલા તેમજ સૂકા ઘાસની અભૂતપૂર્વ અછત સર્જાઈ છે. છેલ્લા ઘણા વર્ષો બાદ આવી ગંભીર સ્થિતિ સર્જાતા ગૌશાળાઓ, પાંજરાપોળો તેમજ માલધારી સમાજ ભારે ચિંતામાં મુકાયો છે. હાલમાં એવી સ્થિતિ છે કે માત્ર નાણાં હોવા છતાં પણ બજારમાં પશુઓને ખવડાવવા માટે પૂરતું ઘાસ ઉપલબ્ધ નથી. લીલું ઘાસ તો દૂરની વાત છે, સૂકું ઘાસ પણ મળતું નથી.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગઇકાલે તા.17ને શુક્રવારના રોજ રાજકોટ શહેરની વિવિધ ગૌશાળાઓ, જીવદયા સંસ્થાઓ, ગૌસેવકો અને ગૌપાલકોએ સંયુક્ત રીતે રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક પગલાં લેવા રજૂઆત કરી હતી.
રજૂઆતમાં જણાવાયું હતું કે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસું નબળું રહેતા ચારો ઉત્પાદન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. આજે જો રાજ્યમાં સારો વરસાદ પણ શરૂ થાય તો પણ નવું ઘાસ તૈયાર થવામાં ઓછામાં ઓછા બે મહિનાનો સમય લાગશે. આ દરમિયાન ગૌશાળાઓ, પાંજરાપોળોમાં રહેતા પશુઓ અને માલધારીઓના લાખો પશુઓ માટે ઘાસચારા વિના જીવન ટકાવવું અત્યંત મુશ્કેલ બની રહ્યું છે.
રાજકોટ જીલ્લામાં હાલ અંદાજે 200 જેટલી જીવદયા સંસ્થાઓ અને ગૌશાળાઓ હજારો ગાય, બળદ, ભેસ, વૃદ્ધ અને નિરાધાર પશુઓની સેવા કરી રહી છે. આ ઉપરાંત રાજકોટ, મોરબી, કચ્છ સહિતના વિસ્તારોમાં હજારો માલધારીઓ પોતાના પશુઓનું પાલન કરી રહ્યા છે. પરંતુ લીલા અને સૂકા બંને પ્રકારના ઘાસની ગંભીર અછતને કારણે પશુઓને પૂરતો ચારો મળી રહ્યો નથી. અનેક સ્થળોએ ગૌશાળા સંચાલકોને રોજિંદા ચારા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ગૌશાળા સંચાલકોએ જણાવ્યું હતું કે હાલમાં બજારમાં ચારો ઉપલબ્ધ નથી અને જ્યાં થોડો ઘણો મળે છે ત્યાં ભાવમાં પણ અસામાન્ય વધારો થયો છે. જેના કારણે નાની અને મધ્યમ ગૌશાળાઓ માટે ગૌસેવાનું કાર્ય જાળવી રાખવું અત્યંત કપરું બન્યું છે. જો આગામી દિવસોમાં તાત્કાલિક વ્યવસ્થા કરવામાં નહીં આવે તો હજારો અબોલ પશુઓ ભૂખમરાની પરિસ્થિતિમાં મુકાઈ શકે છે.
આથી રજૂઆતમાં રાજ્ય સરકારને ખાસ વિનંતી કરવામાં આવી છે કે વન વિભાગ હેઠળ આવેલા રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં વર્ષોથી સંગ્રહિત ઘાસના ભંડારો તાત્કાલિક ગૌશાળાઓ, પાંજરાપોળો અને માલધારીઓ માટે ખુલ્લા મૂકવામાં આવે. સાથે સાથે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઘાસનું યોગ્ય આયોજન, પરિવહન વ્યવસ્થા તથા જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી આગામી બે મહિનાનો સંક્રમણ સમયગાળો સરળતાથી પસાર થઈ શકે.
રજૂઆતમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો કે ગૌધન માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતિક નથી પરંતુ કૃષિ અને ગ્રામ્ય અર્થતંત્રનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. લાખો પરિવારોની આજીવિકા પશુપાલન સાથે સંકળાયેલી છે. તેથી ગૌધનની સુરક્ષા કરવી એ માત્ર જીવદયા નહીં પરંતુ રાજ્યના કૃષિ અને પશુપાલન ક્ષેત્રને બચાવવાની પણ જવાબદારી છે. કલેક્ટરશ્રીએ ગૌશાળા સંચાલકોની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી સમગ્ર બાબત રાજ્ય સરકાર સુધી પહોંચાડવાની અને યોગ્ય સ્તરે રજૂઆત કરવાની ખાતરી આપી હતી.


