રાજકોટમાં આઇશ્રી પૂ.નાગબાઇ માતાજીની વિરાટ પ્રતિમા સાથે નીકળી ભવ્ય શોભાયાત્રા
સમસ્ત ચારણીયા સમાજ દ્વારા અષાઢી બીજ મહોત્સવની ઉજવણી કરાઇ : રેસકોર્ષ ગ્રાઉન્ડમાં સેંકડો લોકોએ લીધો મહાપ્રસાદનો ધર્મલાભ
અગ્ર ગુજરાત, રાજકોટ
ચારણીયા સમાજ દ્વારા આઇશ્રી નાગબાઇ માતાજીનાં બીજ મહોત્સવ નિમિતે રાજકોટમાં અષાઢી બીજ નિમિતે રાજકોટમાં અષાઢી બીજનાં પાવન દિવસે શોભાયાત્રા અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ચારણીય સમાજનાં જ્ઞાતિજનો ઉપરાંત અન્ય જ્ઞાતિ-સમાજનાં સામાજીક આગેવાનો અને રાજકીય અગ્રણીઓ, સ્વૈચ્છિક અને સેવાભાવી સંસ્થાઓનાં હોદેદારો વગેરેએ ખાસ ઉપસ્થિત રહીને પૂ.શ્રી નાગબાઇ માતાજીની વિરાટ પ્રતિમાનાં પૂજન-અર્ચન બાદ ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન પામીને જિલ્લા પંચાયત ચોકથી યાજ્ઞિક રોડ થઇ માલવીયા ચોકથી ત્રિકોણ બાગ થઇને જવાહર રોડ પર જયુબેલી ચોકથી આગળ આર.ડી..સી બેંક રોડ થઇ ચૌધરી હાઇસ્કૂલ ચોકથી બહુમાળી ભવન થઇ રેસકોર્ષ ગ્રા.ન્ડ ખાતે બપોરે સંપન્ન થઇ હતી. શોભાયાત્રાનાં આખા રૂટ ઉપર આઇભકિતના રંગો રેલાયા હતાં. જેમાં સમસ્ત રાવળદેવ સમાજ તરફથી જિલ્લા પંચાયત ચોક ખાતે દર વર્ષની જેમ શોભાયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરીને પ્રમુખ ગોપાલભાઇ બોરાણા દ્વારા ઠંડા પીણાની સેવા આપવામાં આવી હતી. જાગનાથ મંદિર પાસે રથયાત્રાનું સ્વાગત કરીને કોંગ્રેસ અગ્રણી મહેશભાઇ રાજપૂત દ્વારા તમામ પદયાત્રિકો માટે ઠંડાપીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી. એ જ રીતે જયુબેલી બાગ પાસે સંત પાલારામ દાદાના આર્શિવાદથી બઢીયા પરિવાર દ્વારા ઠંડાપીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જયારે ચારણીયા સમાજનાં આગેવાનો દ્વારા આઇશ્રી નાગબાઇ માતાજીનાં બીજ મહોત્સવ માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવા સાથે આર્થિક સહયોગ અર્પણ કરવામાં આવ્યો હતો.
ભવ્ય શોભાયાત્રામાં સૌથી આગળ વિરાટ ધર્મધ્વજ સાથે ચારણીય પહેરવેશમાં યુવાનો રહ્યા હતાં. તેમની પાછળ સુશોભિત ભવ્ય રથમાં પૂ.શ્રીનાગબાઇ માતાજીની ૧૪ ફૂટ ઊંચી દિવ્ય પ્રતિમા બીરાજમાન રહી હતી. આ રથયાત્રામાં શાનદાર ડી.જે.નાં સૂર-તાલે આદ્યશકિત જગદંબાની ગરબાવલીની સંગાથે ચારણીય સમાજનાં ભાઇઓ-બહેનોને રાસ રમીને જબરૂ આકર્ષણ જમાવ્યું હતું. આ સાથે રથયાત્રામાં ભગવી ધ્વજા સાથેનાં યુવાનોએ ધર્મભકિતનો માહોલ સર્જી દીધો હતો. આ શોભાયાત્રામાં પરંપરાગત ચારણીયા સમાજ પહેરવેશ સાથે વડીલો, યુવાનો, બાળકો, યુવતીઓ, મહિલાઓએ પણ મોટી સંખ્યામાં જોડાઇને જબ્બર આકર્ષણ જમાવ્યું હતું. અંતમાં રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય શોભાયાત્રાનું સમાપન થયા બાદ સમુહ મહાપ્રસાદ પણ યોજાયો હતો.


