દમણથી પોરબંદર ટ્રકમાં જતો 34 લાખનો દારૂ ઝડપી લેતી ગ્રામ્ય LCB
દોરાના ખાલી બોક્સમાં છુપાવેલા 6,491 બોટલ દારૂ, 984 ટીન સાથે વાસજાળીયાના ટ્રક ચાલક ભરત મોરીની ધરપકડ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર પિતૃકૃપા હોટલ નજીક દોરાના 5. બોક્સની આડમાં લઈ જવાતો 34 લાખનો વિદેશી દારૂનો મોટો જથ્થો રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ઝડપી વાસજાળીયા ના ટ્રક ચાલકની ધરપકડ કરી દારૂ, બિયર અને ટ્રક – સહિત કુલ રૂ. 64.62 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, ટ્રક નં. GJ-25-U 9934માં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો ભરીને ત્યાંથી પસાર થવાનોછે. આ બાતમીના આધારે પોલીસે હાઇવે પર પિતૃકૃપા હોટલ પાસે વોચ ગોઠવી હતી.
તે દરમિયાન ટ્રક ત્યાંથી પસાર થતા પોલીસે તેને અટકાવીને તલાશી લીધી હતી.ટ્રકની તપાસ કરતા ઉપરના ભાગે દોરાના ખાલી બોક્સ ગોઠવેલા જોવા મળ્યા હતા, જેની આડમાં વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 6,491 બોટલો તેમજ બિયરના 984 ટીન સંતાડેલા મળી આવ્યા હતા.
એલસીબીએ ઘટનાસ્થળેથી જામજોધપુરના વાંસજાળીયા ગામના ટ્રક ચાલક ભરત હમીર મોરી (ઉ.વ. 22)ની ધરપકડ કરી હતી. પોલીસે દારૂ-બિયરની કિંમત રૂ. 34.05 લાખ તેમજ ટ્રક મળી કુલ રૂ. 64.62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ઝડપાયેલા ડ્રાઈવરની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, આ વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઉપલેટાના કરણ રબારીના કહેવાથી દમણના અજાણ્યા શખ્સોએ ટ્રકમાં ભરી આપ્યો હતો. કરણ રબારીએ આ માલ પોરબંદર પહોંચાડવા માટે ડ્રાઇવરને સૂચના આપી હતી. હાલ પોલીસે દારૂ મંગાવનાર કરણ રબારી, માલ સપ્લાય કરનાર અને ટ્રકના મૂળ માલિક સહિત ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.


