નાનામવાના ચકચારી ફાયરીંગ-હત્યા કેસમાં સિનિયર એડવોકેટ અનિલ દેસાઈની સ્પે.પી.પી.તરીકે નિમણુંક
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના નાનામવા વિસ્તારમાં કૃષ્ણસિંહ હરદેવસિંહ જાડેજાની ફાયરીંગ કરી હત્યા કરવાના ચકચારી કેસમાં સૌરાષ્ટ્રના જાણીતા સિનિયર એડવોકેટ અનીલભાઈ દેસાઈની રાજ્ય સરકાર દ્વારા સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણુંક કરવામાં આવી છે.
તા. 8 જુલાઈ, 2026ના રોજ બુલેટ ધીમે ચલાવવા બાબતે ઠપકો આપવાના મામલે થયેલા વિવાદ બાદ રણજીત વાળાએ ગેરકાયદેસર હથિયારથી ફાયરીંગ કરી 30 વર્ષીય કૃષ્ણસિંહ જાડેજાની હત્યા કરી હતી. આ દરમિયાન તેમના દાદા મહેન્દ્રસિંહની પણ હત્યાની કોશિશ કરવામાં આવી હતી. રાજકોટ તાલુકા પોલીસે હત્યા, હત્યાની કોશિશ તથા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી રણજીત વાળા અને રાજવીર વાળાની ધરપકડ કરી હતી.
કેસની ગંભીરતાને પગલે પોલીસ કમિશનરે તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી એસ.આઈ.ટી.ની રચના કરી છે. આ ચકચારી કેસમાં સરકાર તરફે સૌરાષ્ટ્રના સિનિયર એડવોકેટ અનિલભાઈ દેસાઈની સ્પેશ્યલ પી.પી. તરીકે નિમણૂક કરાઈ છે.
અનીલ દેસાઈ અગાઉ અમરેલીના અદિતિ હત્યા કેસ, કાળીપાટ ડબલ મર્ડર સહિત અનેક ચકચારી કેસોમાં સ્પેશ્યલ પી.પી. તરીકે કામગીરી કરી આરોપીઓને સજા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે. મૃતકના પરિવાર તરફે એડવોકેટ રૂપરાજસિંહ પરમારની ખાનગી વકીલ તરીકે નિમણૂક કરાઈ છે.


