રાજકોટ મધ્યસ્થ જેલમાંથી જામીન પર છૂટીને ફરાર થયેલો પોક્સોનો આરોપી શાપર નજીકથી ઝડપાયો
રાજકોટ રૂરલ એલસીબીની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવીને ભગોડા કેદીને દબોચી લીધો
અગ્ર ગુજરાત, રાજકોટ
ભાયાવદરના પોકસોના ગુનામાં કોર્ટે સજા ફટકાર્યા બાદ રાજકોટ મધ્યસ્થ જેલમાં બંદીવાન પાકા કામનો કેદી વચગાળાના જામીન પર છુટ્યા બાદ ફરાર જતાં તે કેદીને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી.
રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા નાસતા ફરતા આરોપીઓને તથા વચગાળાના જામીન પર રજા પરથી ફરાર થઈ ગયેલા આરોપીઓને પકડવા માટેની આપેલ સૂચનાથી ગ્રામ્ય એલસીબી પીઆઇ જે.પી.રાવની રાહબરી હેઠળ ટીમ તપાસમાં હતી તે દરમિયાન વચગાળાના જામીન પર રાજકોટ મધ્યસ્થ જેલમાંથી મુક્ત થયા બાદ ફરાર થઈ ગયેલા પાકા કામના કેદી પિયુષ કિશોર માકડીયા (ઉ.વ.35 રહે. ભાયાવદર, ઉપલેટા) ને શાપર શીતળા માતાજીના મંદિર પાસેથી ઝડપી લીધો હતો.
બાદમાં આ કેદીને રાજકોટ મધ્યસ્થ જેલહવાલે કરવા શાપર વેરાવળ પોલીસ સ્ટેશનને સોંપી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, કેદી પિયુષ માકડીયા સામે વર્ષ 2024 માં ભાયાવદર પોલીસ સ્ટેશનમાં પોકસો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. જે કેસમાં ધોરાજી એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા આરોપીને સજા ફટકારવામાં આવી હતી. ત્યારબાદ તેને રાજકોટ મધ્યસ્થ જેલહવાલે કરવામાં આવ્યો હતો.
દરમિયાન ગઈ તા. 2-5-2026 ના આ કેદીના દસ દિવસના વચગાળાના જામીન મંજૂર થયા હતા અને તેને તા. 13-5-2026 ના હાજર થવાનું હોય પરંતુ તે હાજર ન થઈ ફરાર થઈ ગયો હતો. જેથી ગ્રામ્ય એલસીબીની ટીમે તેને શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરી હતી.


