વી. એમ. મહેતા આયુર્વેદ કૉલેજ ખાતે ‘સાઉન્ડ થેરાપી’ પર એક્સપર્ટ સેશન યોજાયું
‘આયુર્ગ્રામ ૩.૦ – સ્વસ્થ ઇન્દ્રિય, સ્વસ્થ ઇન્ડિયા’ અંતર્ગત કાયચિકિત્સા વિભાગની અનોખી પહેલ
અગ્ર ગુજરાત, રાજકોટ
આણંદપર, રાજકોટ સ્થિત ગાર્ડી વિદ્યાપીઠ સાથે વી. એમ. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદના કાયચિકિત્સા વિભાગ દ્વારા ‘આયુર્ગ્રામ 3.0 – સ્વસ્થ ઇન્દ્રિય, સ્વસ્થ ઇન્ડિયા’ અંતર્ગત ‘મેન્ટલ હેલ્થમાં સાઉન્ડ થેરાપીનું મહત્વ’ વિષય પર તજજ્ઞ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત ‘ટ્યુન્સ એન્ડ વાઇબ્સ’ના સ્થાપક અને વેલનેસ કોચ ડૉ. પાર્થ વ્યાસે જણાવ્યું હતું કે, આધુનિક અને તણાવપૂર્ણ જીવનશૈલીમાં સાઉન્ડ થેરાપી માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત કારગર સાબિત થઈ રહી છે. ધ્વનિના ચોક્કસ સ્પંદનો (Vibrations) મગજની આંતરિક ક્ષમતાને સક્રિય કરી ચિંતા, અનિદ્રા અને ડિપ્રેશન જેવા લક્ષણો ઘટાડવામાં મદદ કરે છે. આ તકે તેમણે ઉપસ્થિત શ્રોતાઓને મન અને શરીર પર થતી સકારાત્મક અસરોથી માહિતગાર કર્યા હતા. વ્યાખ્યાનની સાથે વિદ્યાર્થીઓ માટે સાઉન્ડ થેરાપીનું એક લાઈવ ડેમોસ્ટ્રેશન પણ પ્રસ્તુત કરાયું હતું. વ્યાખ્યાનમાં શ્રી વી. એમ. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓ, ઇન્ટર્ન્સ તેમજ સંસ્થાના અધ્યાપકગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સુચારુ અને અસરકારક સંચાલન કાયચિકિત્સા વિભાગના અધ્યાપકગણ તથા આયુર્ગ્રામ પ્રોગ્રામ ના ચીફ કો-ઓર્ડિનેટર ડૉ. વિદ્યાધર બાલિકાઈ તથા કાર્યક્રમ કો-ઓર્ડિનેટર ડૉ. પ્રવીણા એમ. વી. દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની સફળતા બદલ સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જય મહેતા તથા પ્રિન્સિપાલ ડૉ. રવિકાંત ગોયલ સાહેબ એ તમામ આયોજન સમિતિ, વક્તા, અધ્યાપકગણ અને ઉપસ્થિત વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ભવિષ્યમાં પણ આયુર્વેદના જનજાગૃતિમૂલક કાર્યક્રમો વધુ વ્યાપક રીતે યોજવાની શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.


