રાજકોટમાં ખાદ્યચીજોમાં ભેળસેળ સામે સર્જિકલ સ્ટ્રાઇક: ૧૧ રેસ્ટોરન્ટ-ડેરીઓ સીલ, ૨૯ ને નોટિસ અને ૪ સેમ્પલ લેબમાં મોકલાયા
‘હાઉસ ઓફ સ્નેક્સ’, ‘આર.બી.ફૂડ’ અને ‘શ્રી જલારામ ટ્રેડર્સ’ સહિતના જાણીતા એકમોમાં ગંભીર બેદરકારી સામે આવતા કડક કાર્યવાહી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા અને અસ્વચ્છતા વચ્ચે ખાદ્યપદાર્થો વેચતા વેપારીઓ સામે સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સર્વેલન્સ ચેકિંગ ડ્રાઇવ દરમિયાન ફૂડ વિભાગની ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી કુલ ૬૪ પેઢીઓ અને રેસ્ટોરન્ટ્સમાં ત્રાટકીને તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ૪૭૬ કિલોગ્રામ જેટલો અખાદ્ય, વાસી અને ગુણવત્તાવિહીન ખોરાકનો જથ્થો પકડી પાડી તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
આ કડક ઝુંબેશ દરમિયાન હાઇજેનિક કન્ડિશન, લાયસન્સ અને સ્ટોરેજ બાબતે ભારે અનિયમિતતાઓ સામે આવતા ૨૯ પેઢીઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી અને કુલ રૂ. ૭૫,૫૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગંભીર ક્ષતિઓ ધરાવતી ૧૧ પેઢીઓને સ્થળ પર જ સીલ કરી દેવામાં આવી હતી, જ્યારે FSSAI એક્ટ હેઠળ ૪ શંકાસ્પદ ખાદ્યસામગ્રીના નમૂના લઈ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
સીલ કરવામાં આવેલી ૧૧ મુખ્ય પેઢીઓમાં હાઉસ ઓફ સ્નેક્સ (નાનામવા રોડ): કિચન, ડીપ ફ્રીજ અને ચોકડીમાં પુષ્કળ ગંદકી મળી આવતા ૪૦ કિગ્રા વાસી ખોરાકનો નાશ કરી રૂ. ૫,૦૦૦ દંડ, આર.બી. ફૂડ પ્રોડક્ટ (માધાપર): પ્રતિબંધિત સિન્થેટિક કલર અને જમીન પર રાખેલા સડેલા-કાપેલા પપૈયા (૯૦ કિગ્રા) નો નાશ કરી રૂ. ૧૦,૦૦૦ દંડ, જય અંબે લાઈવ વેફર્સ (ભૂપેન્દ્ર રોડ): દાજિયા તેલમાં વેફર્સ બનાવવી, બિનઆરોગ્યપ્રદ વાતાવરણ, જીવાતનો ઉપદ્રવ અને પસ્તીનો ઉપયોગ કરવા બદલ રૂ. ૩,૦૦૦ દંડ, શ્રી જલારામ ટ્રેડર્સ (૧૫૦ ફૂટ રિંગ રોડ): બિનાધિકૃત રીતે મમરા-પોહા પ્રોસેસ કરવા, ભંગાર, ઉંદર-જીવાતનો ઉપદ્રવ અને ખોટી બ્રાન્ડના નામે પેકિંગ કરવા બદલ રૂ. ૧૦,૦૦૦ દંડ, સદગુરુ ફરસાણ નમકીન & સ્વીટ (પ્રહલાદ પ્લોટ): દાજિયું તેલ અને વાસી માલ મળી ૧૮ કિગ્રા અખાદ્ય જથ્થાનો નાશ કરી નોટિસ સાથે પેઢી સીલ કરાઈ છે. આ ઉપરાંત પટેલ ચાઈનીઝ ભેળ (મવડી બાયપાસ): વાસી મંચુરિયન અને દાજિયા તેલ સહિત ૨૭ કિગ્રા અખાદ્ય જથ્થાનો નાશ કરી રૂ. ૩,૦૦૦ દંડ, ઇન્ડિયા રેસ્ટોરન્ટ (ગોંડલ રોડ): વાસી નોનવેજ અને ગુજરાતી ખોરાક મળી ૧૪ કિગ્રા જથ્થાનો નાશ કરી રૂ. ૩,૦૦૦ દંડ, શ્રીજી ફૂડ ઝોન (મવડી બાયપાસ): એક્સપાયરી ડેટ વાળા પીઝા બેઝ, બર્ગર બન અને વાસી ચટણી-મંચુરિયન સહિત ૨૪ કિગ્રા માલનો નાશ કરી રૂ. ૩,૦૦૦, સોનલ સીઝન સ્ટોર એન્ડ ચાઈનીઝ (મવડી પાળ): વાસી ખોરાક અને પ્રતિબંધિત કલર મળી ૨૬ કિગ્રા જથ્થાનો નાશ કરી રૂ. ૫,૦૦૦ દંડ, શિવ શંકર રેસ્ટોરન્ટ (કોઠારીયા રોડ): પ્રતિબંધિત સિન્થેટિક કલર સહિત ૨૩ કિગ્રા સામગ્રીનો નાશ કરી રૂ. ૫,૦૦૦ દંડ, મહાદેવ પેંડા (નાનામવા રોડ): ૩૦ કિગ્રા મીઠો માવો નાશ કરી રૂ. ૩,૦૦૦ દંડ સાથે પેઢી સીલ કરી માવાનો નમૂનો લેબમાં મોકલાયો છે.
અન્ય જાણીતી પેઢીઓ સામે દંડ અને નોટિસની કાર્યવાહી જેમાં ઠાકોરજી હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ (બસ સ્ટેન્ડ પાછળ): ફ્રીજમાં વાસી મંચુરિયન, નૂડલ્સ અને અસ્વચ્છતા બદલ ૭૫ કિગ્રા જથ્થાનો નાશ કરી રૂ. ૩,૦૦૦ નો દંડ કરાયો. કંદોઈ હરીલાલ દેવજી & સન્સ (કેનાલ રોડ): ખુલ્લી મીઠાઈ પર ટેગિંગ ન હોવા અને ૨૦ કિગ્રા દાજિયા તેલ-ફરસાણનો નાશ કરી રૂ. ૨,૦૦૦ નો દંડ, બચુભાઈ થાબડીવાળા (કરણપરા): લાયસન્સ ન હોવા અને ટેગિંગ વગર વેચાણ કરવા બદલ ૧૦ કિગ્રા પસ્તી જપ્ત કરી રૂ. ૨,૦૦૦ નો દંડ, મહાદેવ ફરસાણ, શ્રીરામ સ્વીટ, નીલકંઠ ડેરી, કેશવલાલ માધવજી & સન્સ, કૈલાશ સ્વીટ, અને શ્રીજી ફરસાણ સહિત ૨૦થી વધુ વેપારીઓ પાસેથી એક્સપાયરી બ્રેડ, પસ્તી, વાસી લોટ અને અસ્વચ્છતા બદલ દંડ વસૂલી કડક નોટિસ પાઠવવામાં આવી હતી.
આ ઉપરાંત મિલ્ક ચેકિંગ ડ્રાઇવ અંતર્ગત બજરંગ ડેરી (મવડી) અને શ્રી કૈલાશ ડેરી (કોઠારીયા રોડ) માંથી દૂધ અને પનીરના નમૂના લઈ લેબોરેટરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. મનપાની આ આક્રમક કાર્યવાહીથી સમગ્ર શહેરના ખાદ્યપદાર્થોના વેપારીઓમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે.


