બી.ટી. સવાણી કિડની હોસ્પિટલમાં MLA રમેશભાઈ ટીલાળાની શુભેચ્છા મુલાકાત
આરોગ્ય ક્ષેત્રે હોસ્પિટલની કામગીરીને બિરદાવી: દર્દીઓના ખબર-અંતર પૂછી તંદુરસ્તીની કામના કરી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટની નામાંકિત બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ ખાતે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ શુભેચ્છા મુલાકાત લઈ હોસ્પિટલના અત્યાધુનિક સંકુલ, આધુનિક તબીબી માળખા તથા વિશ્વસ્તરીય સારવાર સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના ખબર-અંતર પૂછી તેમની તબિયત અંગે માહિતી મેળવી હતી. સાથે જ હોસ્પિટલના ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ તથા સમગ્ર મેડિકલ ટીમ દ્વારા નિષ્ઠાપૂર્વક આપવામાં આવતી ગુણવત્તાસભર અને માનવતાભરી સેવાઓની પ્રશંસા કરી હતી.
રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે, બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર માટે કિડનીની સારવાર અને સંશોધન ક્ષેત્રે વિશ્વસનીય આરોગ્ય સંસ્થા તરીકે કાર્ય કરી રહી છે. આધુનિક ટેક્નોલોજી, અનુભવી તબીબો અને સેવાભાવી અભિગમના કારણે હજારો દર્દીઓને નવી આશા અને ઉત્તમ સારવાર મળી રહી છે.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર કિડની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન નાનાલાલ મકવાણા, મેનેજિંગ ટ્રસ્ટી અરુણભાઈ પટેલ અને ખજાનચી રમેશભાઈ પટેલ સાથે સૌહાર્દપૂર્ણ મુલાકાત યોજાઈ હતી. ઉપરાંત ટ્રસ્ટી પ્રતીકકુમાર ડઢાણીયા, Coo ડૉ. વિશાલ ભટ્ટ તથા CAO રશ્મિન ગોર સાથે સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ, દર્દીકેન્દ્રિત આરોગ્ય સેવાઓ અને ભવિષ્યના વિકાસલક્ષી આયોજન અંગે હકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી.
અંતમાં તેમણે હોસ્પિટલના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ, મેનેજમેન્ટ, ડૉક્ટર્સ, મેડિકલ સ્ટાફ તેમજ સમગ્ર હોસ્પિટલ પરિવારને તેમના સેવાકીય કાર્યો માટે અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.


