પાણી ખરીદીમાં ગેરરીતિની આશંકા વચ્ચે ખર્ચ જાહેર કરવા RMCનો સ્પષ્ટ ઇન્કાર
જંગલેશ્વર ડિમોલિશન સમયે થયેલા ખર્ચ મામલે કોંગ્રેસ દ્વારા કરાયેલી RTIમાં વિચિત્ર દાવો : હવે કોર્ટનો આશરો લેવાઇ તેવી સંભાવના
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૬માં આવેલા જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે હાથ ધરાયેલી મેગા ડિમોલિશન ઝુંબેશમાં ખર્ચના નામે મોટો ગોલમાલ થયો હોવાની આશંકા પ્રબળ બની છે. ડિમોલિશન કામગીરી દરમિયાન વિવિધ વિભાગો, સુરક્ષા, મશીનરી, ભોજન અને અન્ય વ્યવસ્થાઓ માટે કુલ રૂ. ૨,૭૨,૯૨,૭૩૭ નો જંગી ખર્ચ જનરલ બોર્ડ સમક્ષ રજૂ કરાયો છે. જેમાં માત્ર પીવાના પાણી પાછળ રૂ. ૨૨.૯૨ લાખનો તોતિંગ ખર્ચ બતાવવામાં આવતાં જ રાજકારણ ગરમાયું છે.
બજારમાં હોલસેલ ભાવે રૂ. ૩ માં મળતી પાણીની બોટલો મનપા દ્વારા રૂ. ૮ ના મોંઘા ભાવે ખરીદવામાં આવી હોવાનો વિસ્ફોટક પર્દાફાશ થયો હતો. જે પેઢી (ઉમિયાજી મંડપ) પાસેથી આ પાણી ખરીદવામાં આવ્યું હતું, તેનો કોન્ટ્રાક્ટ છેલ્લા ૨ વર્ષ કરતાં વધુ સમયથી ચાલતો હોવાથી, કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર કોમલબેન ભારાઈ દ્વારા છેલ્લા બે વર્ષમાં પીવાના પાણી પાછળ કરાયેલા સમગ્ર ખર્ચની વિગતો માંગતી RTI (માહિતી અધિકાર) કરવામાં આવી હતી.
જોકે, મહાનગરપાલિકા તંત્રએ “આ વિસ્તૃત અને ગોપનીય માહિતી હોવાથી આપી શકાય નહીં” તેવો આશ્ચર્યજનક અને લુલો બચાવ કરીને RTI નો જવાબ આપવાનું ટાળ્યું છે. કોંગ્રેસ નેતા રણજીત મૂંધવા અને કોમલબેન ભારાઈએ આક્ષેપ કર્યો છે કે, તંત્ર અને કોન્ટ્રાક્ટર વચ્ચે મોટો ભ્રષ્ટાચાર થયો હોવાથી આ વિગતો છુપાવવામાં આવી રહી છે. જમવાનો રૂ. ૨૭ લાખનો ખર્ચ સ્ટેન્ડિંગ કમિટીએ નામંજૂર કર્યો હોય, ત્યારે માત્ર પાણીનો ખર્ચ રૂ. ૨૨.૯૨ લાખ કેવી રીતે હોઈ શકે? તે પણ એક મોટો પ્રશ્ન છે.
આ મામલે તંત્રના ગોળગોળ જવાબો સામે કોંગ્રેસે આગામી દિવસોમાં પ્રથમ અપીલ અને જરૂર પડ્યે કોર્ટમાં જવાની સ્પષ્ટ તૈયારી દર્શાવી છે. હવે જોવાનું એ રહેશે કે મનપા દ્વારા તપાસ કમિટી આ ભ્રષ્ટાચાર બહાર લાવશે કે ભીનું સંકેલી લેશે.


