બાડમેરથી એમડી ડ્રગ્સ લાવતા બે પેડલરને SOG એ બામણબોર ચેકપોસ્ટ પાસેથી ઝડપ્યા
જેલમાંથી છૂટતાં જ ડ્રગ્સના ધંધામાં ફરી ઝંપલાવ્યું ; જંગલેશ્વરના ઈબ્રાહીમ ઉર્ફે ટિકડો અને જૂનાગઢના ઇરફાન બમની ધરપકડ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં માદક પદાર્થોની હેરાફેરી રોકવા શહેર એસઓજી દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ દરમિયાન વધુ એક મહત્વની સફળતા મળી છે. રાજસ્થાનના બાડમેરથી મેફેડ્રોન (એમડી ડ્રગ્સ)નો જથ્થો લઈને રાજકોટમાં વેચાણ માટે આવી રહેલા બે શખ્સોને બામણબોર ચેકપોસ્ટ નજીકથી ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે બંને પાસેથી અંદાજે 38 ગ્રામથી વધુ મેફેડ્રોન સહિત રોકડ અને અન્ય વસ્તુઓ મળી કુલ લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ‘સે નો ટુ ડ્રગ્સ’ અભિયાન અંતર્ગત એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે બે વ્યક્તિઓ અમદાવાદ તરફથી મેફેડ્રોન લઈને રાજકોટ તરફ આવી રહ્યા છે. માહિતીના આધારે પીઆઈ એન.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.વી. ધ્રાંગુ અને તેમની ટીમે બામણબોર ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી.
દરમિયાન શંકાસ્પદ બંને વ્યક્તિઓને રોકીને તપાસ કરતાં જંગલેશ્વર વિસ્તારનો ઈબ્રાહીમ ઉર્ફે ટિકડો ઉર્ફે શાહબાઝ શેખ અને જૂનાગઢનો ઈરફાન ઉર્ફે બમ કુરેશી પાસેથી મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બંનેની ધરપકડ કરીને એરપોર્ટ પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો છે.
પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓ રાજસ્થાનના બાડમેરથી પ્રથમ વખત ડ્રગ્સની ખેપ લઈને રાજકોટમાં વેચાણ કરવા આવી રહ્યા હતા. તપાસ દરમિયાન ઈબ્રાહીમે કબૂલ્યું હતું કે તે થોડા સમય પહેલાં જ ગાંજાના કેસમાં જેલમાંથી છૂટ્યો હતો. જેલમાં રહેલા દરમિયાન અન્ય કેદી પાસેથી બાડમેરમાં મેફેડ્રોન સરળતાથી મળતી હોવાની માહિતી મળતાં તેણે પોતાના સાગરીત ઈરફાન સાથે ત્યાંથી ડ્રગ્સ લાવવાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસ તપાસમાં બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. ઈબ્રાહીમ સામે અગાઉ હત્યાના પ્રયાસ, લૂંટ અને એનડીપીએસ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે ઈરફાન સામે જુગારધારા સહિતના ગુનાઓ નોંધાયેલા હોવાનું ખુલ્યું છે. હાલ પોલીસે ડ્રગ્સનો જથ્થો કોની પાસેથી મેળવવામાં આવ્યો હતો અને રાજકોટમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ સમગ્ર કાર્યવાહી એસઓજી પીઆઈ એન.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.વી. ધ્રાંગુ તથા તેમની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.


