વડિયાના સુરવો નદીના પટમાંથી ખનીજ ચોરી ઝડપાઈ
બે ટ્રેક્ટર અને એક જેસીબી સહિત ₹23 લાખનો મુદ્દામાલ જપ્ત
અગ્ર ગુજરાત, અમરેલી
અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ખાન ખીજડીયા ગામેથી પસાર થતી સુરવો નદીના પટમાં ચાલી રહેલી ગેરકાયદેસર ખનીજ ચોરી પર ખાણ ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ભૂસ્તરશાસ્ત્રી અને ખનીજ વિભાગની ટીમે ઓચંતો દરોડો પાડીને મોટા પાયે ચાલતું અનધિકૃત ઉત્ખનન ઝડપી પાડતાં સ્થાનિક ખનીજ માફિયાઓમાં ભારે દોડધામ મચી ગઈ છે.
મળતી વિગતો મુજબ, ખાન ખીજડીયા પાસે સુરવો નદીના પટમાંથી લાંબા સમયથી ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી થઈ રહી હોવાની ચોક્કસ બાતમી ખાણ ખનીજ વિભાગને મળી હતી. જેના આધારે અધિકારીઓની ટીમે સ્થળ પર આકસ્મિક દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન નદીના પટમાં ગેરકાયદે ખનન કાર્યમાં લિપ્ત બે ટ્રેક્ટર અને એક જેસીબી મશીન રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
તમામ વાહનો વડિયા પોલીસને સોંપાયા:
ખાણ ખનીજ વિભાગે આ સફળ રેડ દરમિયાન રૂ. ૨૩ લાખની અંદાજિત કિંમતનો મુદ્દામાલ સીઝ કર્યો છે. જપ્ત કરવામાં આવેલા તમામ વાહનોને આગળની કાયદેસરની દંડનીય અને કાનૂની કાર્યવાહી અર્થે વડિયા પોલીસ મથકે સોંપી દેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગની આ કડક કાર્યવાહીથી પંથકમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે.


