SGVP ગુરુકુલ રીબડા મહાઅભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું
૧ લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક
અગ્ર ગુજરાત, રાજકોટ
‘વૃક્ષ વાવીએ… વૃક્ષ ઉછેરીએ… ભવિષ્ય હરિયાળું બનાવીએ…’ ના પવિત્ર સંદેશ અને ગાંધીનગર-હરિયાળી લોકસભા અભિયાન સાથે SGVP ગુરુકુલ રીબડા (રાજકોટ) ખાતે એક ભવ્ય સમૂહ વૃક્ષારોપણ કાર્યક્રમ સંપન્ન થયો હતો. સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર સુવર્ણ જયંતી મહોત્સવના પાવન ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં SGVP ગુરુકુલ દ્વારા કુલ ૧ લાખ વૃક્ષારોપણ કરવાનો મહાસંકલ્પ લેવામાં આવ્યો છે, જે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ આહ્વાન અને માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજીના ‘એક કરોડ વૃક્ષારોપણના મહાસંકલ્પ’ને સાકાર કરવાનો ભગીરથ પ્રયાસ છે. આ મહાઅભિયાન પરમ પૂજ્ય ગુરુવર્ય માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા તથા પ.પૂ.સદ્ગુરુ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને રીબડા ગુરુકુલ સંચાલક પૂજ્ય ધર્મવત્સલદાસજી સ્વામીના સીધા માર્ગદર્શન હેઠળ વિધિવત સંપન્ન થયું હતું. આ પ્રસંગે દિવ્ય આશીર્વચન પાઠવતા પ.પૂ. સદ્ગુરુ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, “વૃક્ષો એ કેવળ કુદરતનું સૌંદર્ય નથી પરંતુ સમસ્ત માનવજાત અને જીવસૃષ્ટિનું જીવનદાતા કવચ છે. પર્યાવરણની રક્ષા એ જ સાચી પ્રભુ સેવા છે. પરિવારના દરેક સભ્યદીઠ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનો પૂરા પ્રેમથી ઉછેર કરીએ તો જ આવનારી પેઢીને આપણે સ્વસ્થ, સુરક્ષિત અને હરિયાળા ભવિષ્યની અમૂલ્ય ભેટ આપી શકીશું.” આ પ્રસંગે પૂર્વ સાંસદ સભ્ય રમેશભાઈ ધડુક, જેતપુરના ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા, રાજકોટ શહેરના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, SGVP ગુરુકુલ પરિવારના ટ્રસ્ટી મધુભાઇ દોંગા, જાણીતા ઉદ્યોગ અગ્રણી યોગેશભાઈ વઘાસીયા તથા શહેર ઉદ્યોગ અગ્રણી જમનભાઈ બાલધાએ વિશેષ ઉપસ્થિત રહી પોતાના વરદ હસ્તે છોડ વાવી પર્યાવરણ જાગૃતિનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમમાં ગુરુકુલના પવિત્ર સંતો, સમર્પિત કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ જોશભેર ભાગ લઈ સમૂહ વૃક્ષારોપણની સેવા બજાવી હતી.


