આણંદમાં એન્કાઉન્ટર કરનાર અધિકારીની કામગીરીને બિરદાવતુ રઘુવંશી યુવા શકિત
અગ્ર ગુજરાત, રાજકોટ
આણંદ જિલ્લાના વાસદ રેલવે સ્ટેશન ખાતે બનેલી સાડા ચાર વર્ષની માસૂમ બાળકીના અપહરણ, બળાત્કાર અને હત્યાની હૃદયદ્રાવક ઘટનામાં ગુનેગારને પકડવા અને કાયદો-વ્યવસ્થાની ગરિમા જાળવવાની સમગ્ર કાનૂની કાર્યવાહી આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) ગૌરવભાઈ જસાણીના કુશળ નેતૃત્વ, સચોટ માર્ગદર્શન અને સખત કર્તવ્યનિષ્ઠાને આભારી છે. રઘુવંશી લોહાણા સમાજમાંથી આવતા અને ખાખી વર્દીનું ગૌરવ વધારતા એસ.પી. ગૌરવભાઈ જસાણી આ સંવેદનશીલ ઘટના સામે આવતા જ ભારે ગંભીરતા દાખવી હતી. તેમના સીધા માર્ગદર્શન હેઠળ રેલવે પોલીસ, LCB, SOG અને વાસદ પોલીસ સહિતની ૭ વિશેષ ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું. સચોટ સુપરવિઝન અને કડક આદેશોના કારણે પોલીસે રેલવે સ્ટેશનના CCTV ફૂટેજ ખંખેરીને ગણતરીના કલાકોમાં જ ક્રૂર નરાધમ આરોપી સુરેશ વિઠ્ઠલભાઈ પરમારને બોચાસણના પાદરેથી ઝડપી પાડયો હતો.
આ સમગ્ર પ્રક્રિયામાં, ગૌરવભાઈ જસાણી કોઈ પણ પૂર્વગ્રહ વિના, એક બાહોશ અધિકારી તરીકે માત્ર ગુનાના ડિટેક્શન અને કડક કાનૂની રાહે તપાસ કરવા પર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત રાખ્યું હતું.રાત્રે બનેલી આ આકસ્મિક ઘર્ષણની ઘટનામાં પણ તેમની પોલીસ ટીમની ઓન-ડ્યુટી સજ્જતા અને આત્મરક્ષણની મજબૂત જવાબી કાર્યવાહી એ સાહેબ દ્વારા પોલીસ દળમાં ફૂંકવામાં આવેલા શિસ્ત અને જુસ્સાનું જ પરિણામ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટની વીર અને પવિત્ર ધરતીના પુત્ર એવા ગૌરવભાઈ જસાણી રઘુવંશી યુવા શક્તિ સંઘ સંચાલિત ‘શ્રી રઘુવંશી પોલીસ પરિવાર ગુજરાત ગ્રુપ’ ના મુખ્ય માર્ગદર્શક પણ છે. સાહેબે પોતાની આ અજોડ અને કડક કાનૂની કામગીરીથી સમગ્ર રઘુવંશી લોહાણા સમાજ તેમજ સમગ્ર પોલીસ પરિવારનું માથું ગર્વથી ઊંચું કર્યું છે. માસૂમ દીકરીને ત્વરિત ન્યાય અપાવવાની આ આખી કાર્યવાહી અને કાયદાના રક્ષકો પર હુમલો કરનાર નરાધમના એન્કાઉન્ટરની આ સરાહનીય ઘટના બદલ સમગ્ર સમાજ અને ગુજરાતની જનતા સાહેબના આ નેતૃત્વને બિરદાવી રહી છે. રઘુવંશી યુવા શક્તિ સંઘ અને રઘુવંશી પોલીસ પરિવાર ગુજરાત ગ્રુપ સાહેબની આ સિંહ જેવી મર્દાનગી ભરેલી કાર્યશૈલી બદલ તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.


