મહિલા તબીબને ડિજિટલ અરેસ્ટ કરી સાયબર ઠગોએ 12.90 લાખ પડાવ્યા
TRAI અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી બની આધાર કાર્ડ-મની લોન્ડરિંગ કેસનો ડર બતાવ્યો; કલાકો સુધી વીડિયો કોલમાં રાખી ખાતામાંથી નાણા ટ્રાન્સફર કરાવ્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં સાયબર ઠગોએ વધુ એક શિક્ષિત નાગરિકને નિશાન બનાવી ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે લાખોની છેતરપિંડી આચરી છે. આ વખતે શહેરની એક મહિલા હોમિયોપેથીક તબીબને TRAI અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હોવાનું નાટક કરીને એટલા ભયભીત કરવામાં આવ્યા કે તેમણે પોતાની જ બચતના રૂ. 12.90 લાખ ઠગોના જણાવ્યા મુજબ અલગ-અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દીધા. સમગ્ર ઘટનાની જાણ થતાં સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ અયોધ્યા ચોક નજીક રહેતા અને કેવડાવાડી મેઇન રોડ વિસ્તારમાં હોમિયોપેથીક ક્લિનિક ચલાવતા 52 વર્ષીય મહિલા તબીબને 9 જુલાઈના રોજ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાને TRAIનો સિનિયર અધિકારી તરીકે ઓળખાવી જણાવ્યું હતું કે તેમના આધાર કાર્ડનો ઉપયોગ કરીને મુંબઈના ચેમ્બુર વિસ્તારમાંથી એક મોબાઇલ સિમ લેવામાં આવ્યું છે અને તે સિમનો ઉપયોગ મોટા પાયે ફ્રોડ માટે થયો હોવાથી CBIમાં અનેક ફરિયાદો નોંધાઈ છે. થોડી જ વારમાં કોલ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હોવાનું કહેતા બીજા શખ્સને ટ્રાન્સફર કરવામાં આવ્યો. તેણે મહિલાને વોટ્સએપ વીડિયો કોલ પર જોડાવા કહ્યું. વીડિયો કોલ દરમિયાન કોઈ વ્યક્તિ દેખાતી નહોતી, માત્ર મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનો લોગો દર્શાવવામાં આવતો હતો. ત્યારબાદ પોતાને વિજય ખન્ના તરીકે ઓળખાવનાર વ્યક્તિએ મહિલાના નામે કેનરા બેંકમાં ખાતું ખુલ્યું હોવાનું અને તે ખાતાનો ઉપયોગ કરોડોના મની લોન્ડરિંગ કેસમાં થયો હોવાનો દાવો કર્યો હતો. એટલું જ નહીં, આરોપીઓએ નરેશ ગોયલ નામના આરોપી પાસેથી તેમના નામનું ATM કાર્ડ અને અન્ય દસ્તાવેજ મળ્યાની ખોટી વાતો કરીને મહિલાને વધુ ગભરાવી દીધી હતી.
પછી સમાધાન પવાર નામે અન્ય શખ્સ વીડિયો કોલ પર આવ્યો અને પોતાને વરિષ્ઠ અધિકારી ગણાવી કલાકે-કલાકે વીડિયો કોલ દ્વારા ‘વેરિફિકેશન’ કરવાની વાત કરી. તેણે મહિલા તબીબ પાસેથી તેમની તમામ મિલકતો, બેંક ખાતાઓ, મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજારના રોકાણ સહિતની સંપૂર્ણ આર્થિક વિગતો મેળવી લીધી હતી.
ઠગોએ ત્યારબાદ હાઇકોર્ટના આદેશ અને RBIની તપાસનું નામ લઈને મહિલાને સમજાવ્યું કે તેમના ખાતામાં રહેલા નાણાં કાયદેસર છે કે નહીં તેની ચકાસણી માટે ચોક્કસ બેંક ખાતાઓમાં રકમ ટ્રાન્સફર કરવી પડશે. વિશ્વાસમાં આવી ગયેલી મહિલા તબીબે કુલ રૂ. 12.90 લાખ અલગ-અલગ ખાતાઓમાં જમા કરાવ્યા. આરોપીઓએ ખાતરી આપી હતી કે ચકાસણી પૂર્ણ થતાં જ તમામ નાણાં એક દિવસમાં પરત મળી જશે. બાદમાં ઠગોએ મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજારના રોકાણ પણ રિડીમ કરીને તેની રકમ મોકલવા દબાણ કર્યું હતું. જોકે મ્યુચ્યુઅલ ફંડ ઉપાડવાની પ્રક્રિયા દરમિયાન નોંધાયેલા ઈ-મેઇલ પર મહિલાના ભાઈને જાણ થતાં તેમણે સમગ્ર ઘટનાની પૂછપરછ કરી અને આ સાયબર ફ્રોડ હોવાનું જણાવતાં મહિલાને ભાન આવ્યું હતું.
ત્યારબાદ પીડિતાએ તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી પીઆઈ બી.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ આરોપીઓ સુધી પહોંચવા માટે બેંક ટ્રાન્ઝેક્શન, મોબાઇલ નંબર, વોટ્સએપ કોલ અને અન્ય ડિજિટલ પુરાવાના આધારે તપાસ હાથ ધરી છે. પોલીસે લોકોને પણ અપીલ કરી છે કે કોઈપણ સરકારી એજન્સી ફોન કે વીડિયો કોલ દ્વારા નાણાં ટ્રાન્સફર કરાવતી નથી, તેથી આવા કોલ આવે તો ગભરાયા વગર તરત પોલીસ અથવા સાયબર હેલ્પલાઇનનો સંપર્ક કરવો.


