શિક્ષકોને બદલીમાં વન ટાઇમ વિકલ્પ અપાશે
પોતાના મૂળ જિલ્લા અને નવરચિત જિલ્લામાં ઓપ્શન મળશે : જિલ્લા વિભાજન અંગેની જોગવાઇ નહી હોવાથી હાલ લેવાયેલો નિર્ણય
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકોની બદલીના નિયમોને લઈને શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વનો ઉમેરો કરવામાં આવ્યો છે. જિલ્લા વિભાજનના કારણે ઊભી થયેલી વહીવટી પરિસ્થિતિ અને શિક્ષકોની વિવિધ રજૂઆતોને ધ્યાને રાખીને સરકારે શિક્ષકોને પોતાના મૂળ જિલ્લા અથવા નવરચિત જિલ્લામાં જવા માટે વન-ટાઈમ વિકલ્પ આપવાનો નિર્ણય કર્યો છે.
શિક્ષણ વિભાગ દ્વારા બદલીના નિયમો તૈયાર કર્યા હતા, જેમાં જિલ્લા વિભાજન અંગે કોઈ જોગવાઈ ન હતી. જેથી કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી, જેને મંજુરી મળતા હવે જિલ્લા વિભાજન અન્વયે પોતાના મુળ જિલ્લા અથવા નવરચિત જિલ્લામાં જવા માટે વન ટાઈમ વિકલ્પ મળશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ 12 નવેમ્બર 2024ના રોજ બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, આ નિયમોમાં જિલ્લા વિભાજન અંગેની કોઈ જોગવાઈ ન હોવાના કારણે વહીવટી પરિસ્થિતી ઉભી થતી હતી. જેથી સરકાર સમક્ષ નિતી નક્કી કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી. દરખાસ્ત અન્વયે શિક્ષણ વિભાગ દ્વારા ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. જેમાં અગાઉ જાહેર કરાયેલા બદલી નિયમોમાં સુધારો કરીને જિલ્લા વિભાજન અંગેની નવી જોગવાઈઓ અને શરતો ઉમેરવામાં આવી છે.
બદલી માટેની વન ટાઈમ વિકલ્પની શરતોમાં જિલ્લા વિભાજન બાદ નવો જિલ્લો અસ્તિત્વમાં આવ્યો હોય ત્યાં મૂળ જિલ્લામાંથી નવરચિત જિલ્લામાં અથવા નવરચિત જિલ્લામાંથી મૂળ જિલ્લામાં જવા માટે શિક્ષકો પોતાના વિભાગ અને વિષયને અનુરૂપ વિકલ્પ આપી શકશે. જો આખો તાલુકો કે કોઈ ગામ બીજા જિલ્લામાં સમાવવામાં આવ્યું હોય, તો ત્યાં ફરજ બજાવતા શિક્ષકો પણ નવા જિલ્લામાં રહેવું કે મૂળ જિલ્લામાં જવું તેનો વિકલ્પ આપી શકશે. વિકલ્પ મેળવતા પહેલા શિક્ષણ વિભાગ દ્વારા તમામ ખાલી જગ્યાઓની વિગતવાર યાદી પ્રસિદ્ધ કરી તમામ શિક્ષકોને જાણ કરવામાં આવશે. મૂળ અને નવરચિત જિલ્લામાં ફરજ બજાવતા તમામ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોએ નિયત થયેલ વિકલ્પ ફોર્મ ફરજિયાતપણે ભરવાનું રહેશે.
શિક્ષક દ્વારા એકવાર આપવામાં આવેલો વિકલ્પ આખરી રહેશે અને તેમાં પાછળથી કોઈ ફેરફાર થઈ શકશે નહીં. વિકલ્પ આપ્યા બાદ કેમ્પમાં ગેરહાજર રહેનાર કે સ્થળ પસંદગી ન કરનાર શિક્ષકનો વિકલ્પ ધ્યાને લેવામાં આવશે નહીં અને ભવિષ્યમાં વધુ તક અપાશે નહીં. બદલી કેમ્પમાં ખાતામાં દાખલ તારીખ મુજબની સિનિયરિટી ધ્યાને લેવાશે. શિક્ષકની જે વિષયમાં નિમણૂંક થઈ હોય તે જ મુખ્ય વિષયની ખાલી જગ્યા પર બદલી મળશે. વિષયમાં કોઈ બાંધછોડ કરી શકાશે નહીં. તેમજ માધ્યમિક વિભાગના શિક્ષકની માધ્યમિકમાં અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકની ઉચ્ચતર માધ્યમિકમાં જ બદલી થઈ શકશે.
સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક – મદદનીશ શિક્ષકોના બદલી કેમ્પ કરવાના ક્રમ નક્કી કરાયા છે. જેમાં સૌપ્રથમ વધ-ઘટ કેમ્પ યોજાશે. ત્યારબાદ તબક્કાવાર, તાલુકા વિભાજન કેમ્પ (જો જરૂર હોય તો), જિલ્લા આંતરિક ફેરબદલી કેમ્પ, જિલ્લા વિભાજન કેમ્પ (જો જરૂર હોય તો) અને છેલ્લે જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન કરવામાં આવશે.


