રાજકોટ જિલ્લામાં પરપ્રાંતીય શ્રમિકો માટે નિયમો કડક: નોકરીએ રાખતા પહેલા ઓળખના દસ્તાવેજોની ચકાસણી ફરજિયાત
અધિક જિલ્લા કલેક્ટર બારોટનું મહત્વનું જાહેરનામું; નિયમનો ભંગ કરનાર માલિકો અને વેપારીઓ સામે લેવાશે સખત શિક્ષાત્મક પગલાં
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં ભુતકાળમાં બનેલ લુંટ, ધાડ, ખુન તથા અપહરણ જેવા બનાવોમાં આરોપીઓની વિગતો લક્ષ્યમાં લેતા ઘણા કિસ્સાઓમાં કારખાનામાં, મકાન બાંધકામમાં, વિવિધ ફેક્ટરીઓમાં અને ખેતીના તેમજ વેપાર-ધંધામાં મજુર તરીકે કામ કરતા કારીગરો ગંભીર પ્રકારના ગુન્હાઓ આચર્યા બાદ અન્ય રાજય કે જિલ્લાઓમાં નાસી જતા હોય છે.
જેના કારણે ગુન્હા વણશોધાયેલા રહેવા પામે છે તેમજ ઘણા કિસ્સાઓમાં તેમના વતનમાં કે અન્ય શહેરોમાં ગંભીર પ્રકારના ગુન્હાઓ આચરી રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં આશરો લેતા હોય છે. જેને ધ્યાને લેતા રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારની સલામતી અને શાંતી જળવાઈ રહે તે માટે રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટની હકુમત સિવાયના રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં આવતા તમામ સંસ્થા/એકમો/માલિકો તરફથી પરપ્રાંતીયોને રોજગારી આપવામાં આવે ત્યારે દરેક શ્રમિકો/કામદારોની સાચી ઓળખ પ્રસ્થાપિત થાય તે સારૂ ફક્ત આધારકાર્ડ ઉપર નિર્ભર રહેતા ભારતીય હોવા અંગે જરૂરી દસ્તાવેજોની ચકાસણી ફરજીયાત કરવાનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.એચ. બારોટે બહાર પાડ્યું છે.
જાહેરનામામાં જણાવ્યા મુજબ તમામ પરપ્રાંતિય કામદારોની નાગરિક્તાની ખરાઈ કરવા માટે તેઓના ભારતીય હોવા અંગે જન્મનું પ્રમાણપત્ર/પાસપોર્ટ/મતદાર કાર્ડ વિગેરેની માહિતી મેળવી વેરીફાઈ કર્યા બાદ જ નોકરી પર રાખવા, મજૂરી અથવા કામે રાખવામાં આવતા અન્ય નોકરીયાતોને તાજેતરનો ફોટો તથા ઓરીજનલ ડોકયુમેન્ટની સ્વપ્રમાણીત કોપી ફરજીયાત જમા કરાવવાની રહેશે. મજુરોનું પોલીસ વેરીફીકેશન ત્વરીત જ કરાવવાનું રહેશે. વધુમાં લોકલ કોઈ એજન્સી મારફતે હાયર કરવામાં આવેલ છે તે મેનપાવર સપ્લાય એજન્સીની સંપૂર્ણ વિગત નિભાવવાની રહેશે. આ જાહેરનામું તા.31/08 સુધી અમલમાં રહેશે. જેનો ભંગ કરનાર સામે શિક્ષાત્મક પગલા લેવાશે.


