NEET પેપર લીક મુદ્દે રાજકોટમાં ‘આપ’ના આક્રમક ધરણા : ભાજપ નેતાઓના મોંમાં મગ ભરાયાનો આરોપ
શિક્ષણમંત્રીના રાજીનામાની ઉગ્ર માંગ સાથે બહુમાળી ભવન ચોકમાં આપ કાર્યકરો રોડ પર ઉતર્યા:
રૂ. ૨૫૦૦ કરોડના કૌભાંડ અને ૯૦થી વધુ પેપર લીકનો આક્ષેપ; ‘દિલ્હીમાં છાત્રો પર ખીલીવાળા દંડા અને દીકરીઓને શોક અપાયા’ના ગંભીર પ્રહારો
અગ્ર ગુજરાત, રાજકોટ
દેશભરમાં ચર્ચિત NEET પેપર લીક કૌભાંડ અને દિલ્હીના જંતર-મંતર ખાતે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં રાજકોટમાં પણ રાજકીય ગરમાવો આવી ગયો છે. આજે રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા એક દિવસીય ધરણા પ્રદર્શન યોજીને તીખા પ્રહારો કરવામાં આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ વડાપ્રધાનના ફોટા સાથે ‘ના પઢાહૂં, ના પઢને દૂંગા’, ‘પેપર ચોર – ગદ્દી છોડ’ અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરતા બેનરો સાથે ભાજપ સરકાર સામે આક્રોશ ઠાલવ્યો હતો.
આમ આદમી પાર્ટીના રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશીએ સરકાર સામે ભારે આક્રમક વલણ અપનાવતા જણાવ્યું હતું કે, આ કોઈ સામાન્ય ઘટના નથી પણ રૂ. ૨૫૦૦ કરોડનું વિરાટ કૌભાંડ છે. “ગુજરાતમાં ૯૦થી વધુ પેપર લીક થયા છે. આજે યુવાનોના ભવિષ્ય રઝળી પડ્યા છે છતાં ભાજપના સાંસદો કે ધારાસભ્યોના મોંમાં મગ ભરાયા છે અને બધા ચૂપ બેઠા છે.” “પેપર રદ્દ થયાના દોઢ જ મહિનામાં યુપી, રાજસ્થાન અને અમદાવાદ સહિતના રાજ્યોમાં ૧૩થી વધુ યુવાનોના મોત થયા છે. પેપર કૌભાંડના કારણે સર્જાયેલા માનસિક તણાવથી વિદ્યાર્થીઓ જીવ ગુમાવી રહ્યા છે.”
ધરણા પ્રદર્શન દરમિયાન આપ નેતાઓએ દિલ્હીમાં આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા કથિત અત્યાચાર અંગે અત્યંત ગંભીર આરોપો લગાવ્યા હતા. દિલ્હીમાં આંદોલન કરી રહેલા યુવાનોને છાતીમાં ખીલીવાળા દંડા મારવામાં આવ્યા હોવાનો અને દીકરીઓને ઇલેક્ટ્રિક શોક આપ્યાનો સણસણતો આક્ષેપ કરાયો હતો. પોલીસકર્મીઓ અને આરએસએસના લોકો દ્વારા વિદ્યાર્થીઓ સાથે શોભે નહીં તેવું અમાનવીય વર્તન કરવામાં આવ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આપ પ્રમુખે ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જો ભાજપ સરકારનું આવું જ વલણ રહેશે તો ગુજરાતમાં અરાજકતા ફેલાશે અને ભૂતકાળના ‘નવનિર્માણ’ જેવા જંગી આંદોલનની પુનરાવર્તિત સ્થિતિ સર્જાશે. તેમણે સ્પષ્ટ કર્યું કે આમ આદમી પાર્ટી વિદ્યાર્થીઓ અને વાલીઓના હક માટે છેક સુધી લડત આપશે.


