ફિઝિક્સ ભવનના 10 છાત્રો ને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મળી તક
17 છાત્રો ફોરેન્સિક સાયન્સની લેબોરેટરીમાં ટેકનિકલ પોસ્ટ ઉપર ગોઠવાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનના વિદ્યાર્થીઓએ રાજ્યની પ્રાદેશિક ફોરેન્સિક વિજ્ઞાન પ્રયોગશાળા (Regional Forensic Science Laboratories RFSL) માટે યોજાયેલી ભરતી પ્રક્રિયામાં વિવિધ હોદ્દાઓ પર નોંધપાત્ર સફળતા મેળવી છે. વિભાગના વિદ્યાર્થીઓની સાયન્ટિફિક આસિસ્ટન્ટ (ફિઝિક્સ), આસિસ્ટન્ટ એક્ઝામિનર ઓફ ક્વેશ્ચન્ડ ડોક્યુમેન્ટ્સ (AEQD), સિનિયર એક્સપર્ટ (ફિંગરપ્રિન્ટ), સર્ચર (ફિંગરપ્રિન્ટ) તેમજ લેબોરેટરી આસિસ્ટન્ટ (ફિઝિક્સ) જેવી વિવિધ જગ્યાઓ માટે પસંદગી થઈ છે. એક જ વિભાગના વિદ્યાર્થીઓની ફોરેન્સિક વિજ્ઞાનની અનેક શાખાઓમાં થયેલી આ પસંદગી ભૌતિકશાસ્ત્રના અભ્યાસની વ્યાપકતા ઉપરાંત વિભાગમાં વિકસાવવામાં આવતા વૈજ્ઞાનિક અભિગમ, પ્રયોગાત્મક કુશળતા અને વિશ્લેષણાત્મક ક્ષમતાનું પ્રતિબિંબ છે.
સાયન્ટિફિક આસિસ્ટન્ટ (ફિઝિક્સ) તરીકે પાયલ જોષી, તિલક પંડ્યા, ઉદિત ત્રિવેદી અને ધૃતિ કાનાબાર, આસિસ્ટન્ટ એક્ઝામિનર ઓફ ક્વેશ્ચન્ડ ડોક્યુમેન્ટ્સ (AEQD) તરીકે વૈશાલી ચાંદેગરા અને ક્રિના રામાણી, સિનિયર એક્સપર્ટ (ફિંગરપ્રિન્ટ) તરીકે હેતલ ગોહિલ, સર્ચર (ફિંગરપ્રિન્ટ) તરીકે વશિષ્ઠ જાની તથા લેબોરેટરી આસિસ્ટન્ટ (ફિઝિક્સ) તરીકે ઊર્મિલા ખટાણાની પસંદગી થઈ છે. આ તમામ વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાત્મક પસંદગી પ્રક્રિયાઓમાં સફળતા મેળવી પોતાના જ્ઞાન, કૌશલ્ય અને વૈજ્ઞાનિક અભિગમનો પરિચય આપ્યો છે. વિવિધ વિશેષતાઓ ધરાવતા આ હોદ્દાઓ પર વિભાગના વિદ્યાર્થીઓની પસંદગી એ દર્શાવે છે કે ભૌતિકશાસ્ત્રના વિદ્યાર્થીઓ માત્ર એક જ ક્ષેત્રમાં નહીં, પરંતુ ફોરેન્સિક વિજ્ઞાનની વિવિધ શાખાઓમાં પણ સફળતાપૂર્વક પોતાની ભૂમિકા નિભાવવા સક્ષમ છે.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ઉત્પલભાઈ જોશી, કુલ સચિવ શ્રી અજયસિંહ જાડેજા અને ભૌતિકશાસ્ત્ર ભવનના અધ્યક્ષ પ્રોફ. નિકેશ એ. શાહે વિદ્યાર્થીઓની આ સિદ્ધિને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે વિભાગના વિદ્યાર્થીઓ સતત નવા અને ઉભરતા ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા સાબિત કરી રહ્યા છે. ફોરેન્સિક વિજ્ઞાનના વિવિધ વિભાગોમાં વિદ્યાર્થીઓની આ સફળતા માત્ર વિભાગ માટે ગૌરવની બાબત નથી, પરંતુ ભૌતિકશાસ્ત્રના વર્તમાન અને ભાવિ વિદ્યાર્થીઓ માટે પણ નવી પ્રેરણા સમાન છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આગામી સમયમાં પણ વિભાગના વધુ વિદ્યાર્થીઓ વિવિધ વૈજ્ઞાનિક અને સ્પર્ધાત્મક ક્ષેત્રોમાં સફળતા હાંસલ કરીને ભૌતિકશાસ્ત્ર ભવનની ગૌરવશાળી પરંપરાને આગળ વધારશે.


