ઇશ્વરીયા પાર્ક નવરાત્રીમાં ભાડે આપવા વિચારણા
કલેકટર સહિતના અધિકારીઓએ લીધી પાર્કની મુલાકાત : મૃતપ્રાય થયેલું નજરાણુ ફરી ડેવલપમેન્ટ કરવાનો રોડ મેપ તૈયાર કરતુ તંત્ર
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના ઇશ્વરીયા પાર્કને પુનઃજીવિત કરવા માટે વહિવટી તંત્ર સજ્જ થયુ છે. વર્ષ 2024 માં વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બાદ અહીં બોટિંગ બંધ કરી દેવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત મ્યુઝિકલ ફાઉન્ટેઈન પણ બંધ હાલતમાં છે. લોકોને હરવા ફરવા માટેનું આ નજરાણું ધીમે ધીમે મૃતપ્રાયઃ સ્થિતિમાં પહોંચી રહ્યું છે તેવામાં જિલ્લા કલેકટર દ્વારા ડેવલપમેન્ટ માટેનો રોડમેપ તૈયાર કરાયો છે. ભવિષ્યમાં આ પાર્ક મોર્નિંગ વોક અને યોગા માટે સવારે 5 થી 10 નિઃશુલ્ક ખૂલ્લો રહેશે. જે બાદ બપોરે 3 થી 8 ના બદલે સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી ઈશ્વર્યા પાર્ક ખુલ્લો રાખવાનું આયોજન છે. આ સાથે જ નવરાત્રિમાં દાંડિયા રાસ માટે આ પાર્ક ભાડે આપવાનું વહીવટી તંત્ર વિચારી રહ્યું છે કારણકે અહીં થતી આવકથી વધુ ખર્ચ થાય છે. જેથી આવક વધે તેવા પ્રયત્નો કરવામાં આવશે.
રાજકોટ નજીક ઈશ્વરીયા મહાદેવ પાસે આવેલ 77 એકરમાં પથરાયેલ કલેક્ટર તંત્ર હસ્તકના ઈશ્વરીયા પાર્કને ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પાર્કમાં મુલાકાતીઓ વધારવા અને તેમાંથી આવક રળવા માટેના કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓની ટીમે પાર્કની મુલાકાત કરી નવરાત્રીમાં દાંડીયારાસ માટે મેદાન ભાડે આપવા વિચારણા શરૂ કરવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ ખાતે આવેલ માધવરાય સિંધિયા ક્રિકેટ મેદાન નવરાત્રીમાં ડાંડીયા માટે ભાડે આપવામાં આવે છે તે જ મોડેલ અપનાવવાનો નિર્ણય કલેક્ટર તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. હવે ઈશ્વરીયા પાર્ક પણ ખાસ નિયત કરેલા મેદાનને ડાંડીયા રાસ અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ભાડે આપવાની વિચારણા કરવામાં આવી છે તેમજ દિવાળી દરમિયાન પણ કાર્યક્રમ યોજાવામાં આવશે.
ઈશ્વરીયા પાર્કમાં મુલાકાતીઓની સંખ્યા વધારવા માટે કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશ દ્વારા રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. આથી પ્રાયોગિક ધોરણે બે મહિના સુધી મોર્નિંગ વોક અને યોગા માટે નિઃશુલ્ક એન્ટ્રી આપવામાં આવશે. આ માટે પાર્ક વહેલી સવારના પાંચ વાગ્યે જ ખોલી દેવામાં આવશે. સવારના 5 થી 10 સુધી તમામ લોકોને મફત એન્ટ્રી આપવામાં આવશે.
હાલ ઈશ્વરીયા પાર્ક અડધો દિવસ જ મુલાકાતીઓ માટે ખુલ્લો રહે છે. અત્યાર સુધી પાર્ક બપોરે 3 વાગ્યે ખુલ્લો થતો અને રાત્રે 8 વાગ્યે બંધ થતો હતો. પરંતુ હવે નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. તે મુજબ સવારના 10 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી ચાલુ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે કે હવે મુલાકાતીઓને બપોરના બ્રેક વિના સીધો પાર્કમાં પ્રવેશ મળી શકશે. આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી મ્યુઝિકલ ફાઉન્ટેઈન અને બોટિંગ શરૂ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવશે.


