ભારે વરસાદની અસર : ગૌણ સેવા મંડળ દ્વારા વર્ગ-3ની પાંચ પરીક્ષાઓ મોકુફ
ઉમેદવારોની મુસાફરી જોખમી ન બનાવવા મંડળ દ્વારા જાહેરાત કરાઇ : નવી તારીખો અંગે લેવાશે નિર્ણય
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં અતિભારે વરસાદની સ્થિતિ અને આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉમેદવારોના વિશાળ હિતને ધ્યાનમાં રાખીને 24 જુલાઈ 2026ના રોજ યોજાનારી વર્ગ-3ની પાંચ અલગ-અલગ સંવર્ગોની Computer Based Recruitment Test (MCQ-CBRT) સ્પર્ધાત્મક પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. આ પરીક્ષાઓ સવારે 9થી બપોરે 12 વાગ્યા દરમિયાન યોજાવાની હતી.
GSSSB દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર પરિપત્ર મુજબ સિનિયર સર્વેયર, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર-ફેબ્રિકેશન ગ્રુપ, લેબોરેટરી ટેકનિશિયન, ફિઝિયોથેરાપિસ્ટ અને ફાર્માસિસ્ટ/કમ્પાઉન્ડર-આયુર્વેદની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. આમાંથી કેટલીક પરીક્ષાઓ દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ હેઠળ યોજાવાની હતી. ભારે વરસાદને કારણે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં મુશ્કેલી ન પડે અને તેમની સુરક્ષા જળવાઈ રહે તે માટે મંડળે આ નિર્ણય લીધો છે.ભારે વરસાદ વચ્ચે
રાજ્યના અનેક જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, રસ્તાઓ બંધ થવા અને પરિવહન વ્યવસ્થા ખોરવાવાની સ્થિતિ સર્જાઈ છે. આગામી 48 કલાક દરમિયાન પણ અતિભારે વરસાદની આગાહી હોવાથી ઉમેદવારોની મુસાફરી જોખમી બની શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને GSSSBએ પરીક્ષાઓ હાલ પૂરતી મુલતવી રાખવાની જાહેરાત કરી છે. ઉમેદવારોને પરીક્ષાની નવી તારીખ અંગેની સત્તાવાર જાહેરાતની રાહ જોવાની સલાહ આપવામાં આવી છે.
મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાઓ ક્યારે યોજાશે તે અંગેની નવી તારીખની જાહેરાત મંડળ દ્વારા બાદમાં કરવામાં આવશે. ઉમેદવારોએ GSSSBની સત્તાવાર સૂચનાઓ પર નજર રાખવી અને કોઈપણ અફવા પર વિશ્વાસ ન કરવો. પરીક્ષાની નવી તારીખ, સમય અને અન્ય જરૂરી વિગતો અંગે માહિતી સત્તાવાર રીતે જાહેર થયા બાદ જ માન્ય ગણાશે.


