આજી-૨ ઓવરફલો, ૧૫ જળાશયો હાઇએલર્ટ
સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમમાં નવા નીર ઠલવાયા : 3૯.3૬ ટકા જળસંગ્રહ : સુરવો ડેમ ૯૦ ટકા ભરાયો, ભાદર-૨માં સવા ફૂટ પાણીની આવક : રાજકોટ સર્કલના ૬૬ ડેમ પર અડધાથી સાડા સાત ઇંચ વરસાદ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ઉપર મેઘરાજાએ હેત વરસાવતા ગત રાત્રિ દરમિયાન રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના કુલ ૮૩માંથી ૨૪ ડેમમાં ૦.૧૦થી ૧૦ ફૂટ સુધી નવા નીરની આવક નોંધાઇ છે જેમાં ભાદર-૧ ડેમમાં સવા ફૂટ પાણીની નોંધપાત્ર આવક થઇ છે.વિશેષમાં રાજકોટ મહાપાલિકાના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરૂં પાડતા ભાદર ૧ ડેમમાં ૧.૨૫ ફૂટ, ન્યારી-૧ ડેમમાં ૦.૫૦ ફૂટ અને આજી-૧ ડેમમાં ૦.૨૦ ફૂટ નવા નીરની આવક થઇ છે.
રાજકોટ ઇરીગેશન સર્કલના ફ્લડ સેલના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૮૩માંથી ૬૬ ડેમ ઉપર અડધોથી સાડા સાત ઇંચ સુધી વરસાદ નોંધાયો છે જેમાં
જેતપુરના સુરવો ડેમ ઉપર સાડા સાત ઇંચ, જામ કંડોરણાના ફોફળ ડેમ ઉપર છ ઇંચ, અમરેલી જિલ્લાના વડિયા પાસેના સાંકરોલી ડેમ ઉપર છ ઇંચ અને ગોમટા નજીકના ભાદર-૧ ડેમ ઉપર ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજકોટ શહેરના આજી-૧ ડેમ ઉપર બે ઇંચ, ન્યારી ૧ ડેમ સાઇટ ઉપર બે ઇંચ અને લાલપરી તળાવ સાઇટ ઉપર અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો.
રાજ્યમાં થયેલા સાર્વત્રિક વરસાદને પગલે નાના-મોટા જળાશયોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. સ્ટેટ વોટર ડેટા અનુસાર, રાજ્યના કુલ 207 ડેમમાં હાલમાં 51.63% પાણીનો જીવંત જથ્થો ઉપલબ્ધ છે. જેમાં કુલ 1303931 MCM પાણીનો સંગ્રહ થયો છે. આ પૈકી રાજ્યના 7 ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે.ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ 6422.39 MCM જળસંગ્રહ સાથે 69.89% જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
રાજ્યમાં ઝોન વાઈઝ ડેમની સ્થિતિ જોઈએ તો, દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં હાલ 42.59% પાણીનો જથ્થો નોંધાયો છે. આ ઝોનના 2 ડેમ સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યા છે. અગાઉના દિવસની સરખામણીએ અહીં 108 MCM પાણીની નવી આવક થઈ છે.મધ્ય ગુજરાતની 17 યોજનાઓમાં કુલ 47.27% જળસંગ્રહ થયો છે. આ ઝોનમાં પણ સ્થિતિ સુધારા પર છે.ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 38.68% પાણીનો સંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રના સૌથી વધુ 141 ડેમોમાં હાલ 39.36% જળસંગ્રહ છે. આ વિસ્તારના 5 ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે. 31મેની સરખામણીએ સૌરાષ્ટ્રના ડેમોમાં 143.15 MCM પાણીનો વધારો નોંધાયો છે. કચ્છના 20 ડેમોમાં હાલ 23.41% પાણીનો જથ્થો સંગ્રહિત છે.ગત દિવસની સરખામણીએ રાજ્યના જળાશયોમાં કુલ 114.90 MCM જેટલા નવા પાણીની આવક થઈ છે. જેનાથી પીવાના પાણી તેમજ સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતામાં મોટો રાહતજનક સુધારો થયો છે.
આજી-૨ ડેમના છ દરવાજા ખોલાયા
વરસાદથી પાણીની આવક વધતાં રાજકોટ તાલુકાના આજી-૨ ડેમમાં જળસપાટી જાળવી રાખવા માટે રાત્રે ૨.૦૦ કલાકે ડેમના ૦૬ દરવાજા ૦.૧૫૨૪ મીટર ખોલવામાં આવ્યા છે. આ સાથે પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢાડા, હરીપર, ખંઢેરી, નારણકા, સખપર, ઉકરડા ગામ માટે ખાસ ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે. ડેમની પૂર્ણ જળસપાટી ૭૩.૭૬ મીટર છે. ડેમમાં હાલનું જળસ્તર ૭૨.૫ મીટર છે. ડેમમાં નીરની આવક અને જાવક ૧૬૮૦ ક્યુસેક છે, તેમ રાજકોટ ફ્લડ કંટ્રોલ સેલની યાદીમાં જણાવાયું છે.
ભાદર-૨ ડેમના પાંચ દરવાજા ખોલાયા
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પાસે આવેલો ભાદર-૨ ડેમ પૂર્ણ સપાટીએ ભરાઈ ગયો છે. આથી રૂલ લેવલ જાળવવા સવારે ૧૦.૪૫ કલાકે ડેમના પાંચ દરવાજા ૧.૮૨ મીટર ખોલવામાં આવ્યા છે. આથી નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં અવરજવર નહીં કરવા તથા નીચેના અસરગ્રસ્ત ગામના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના જારી કરવામાં આવી છે.
જેમાં ધોરાજીના ૧. ભોળા, ૨. ભલ ગામડા, ૩. છાડવાવદર, ૪. સુપેડી, ઉપલેટા તાલુકાના ૫. ડુમીયાણી તથા આસપાસના વિસ્તારો, ૬. ચિખલિયા, ૭. સમઢિયાળા, ૮. ગણોદ, ૯. ભીમોરા, ૧૦. ગઢા, ૧૧. ગાંદોદ, ૧૨. હાડફોડી, ૧૩. ઈસરા, ૧૪. કુંઢેચ, ૧૫.લાઠ, ૧૬. મેલી (મજેઠી), ૧૭. નિલાખા, ૧૮.તલગાણા, ૧૯. ઉપલેટા, જ્યારે પોરબંદર કુતિયાણાના ૧. ભોગસર, ૨. બિલડી, ૩. ચૌટા, ૪. છત્રાવા, ૫.કટવાણા, ૬.કુતિયાણા, ૭.માંડવા, ૮.પસવારી, ૯. રોઘડા, ૧૦. સેગ્રાસ, ૧૧. થાપડા માણાવદર, ૧૨.ચીલોદરા, ૧૩. રોઘડા, ૧૪. વડાસડા, ૧૫. વેકરી પોરબંદર, ૧૬. ચીકાસા, ૧૭. ગારેજ, ૧૮. મિતરાળા, ૧૯. નવી બંદર ગામ માટે ખાસ ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે.
ડેમની પૂર્ણ જળસપાટી ૫૩.૧ મીટર છે. ડેમમાં હાલનું જળસ્તર ૫૨.૫ મીટર છે. ડેમમાં હાલ કુલ જળજથ્થો ૪૩.૪ ઘનમીટર છે. ડેમમાં નીરની આવક તથા જાવક ૪૦૬૦૪ ક્યુસેક છે, તેમ રાજકોટ ફ્લડ કંટ્રોલ સેલની યાદીમાં જણાવાયું છે.


