સૌરાષ્ટ્રમાં મેઘસવારી યથાવત
મોરબી-જેતપુર-વીરપુરમાં ધોધમાર વરસાદ, ડેમો છલકાયા
મોરબીના વાંકાનેરમાં 7 ઇંચ, જેતપુરમાં 7 ઇંચ અને વીરપુરમાં 12 કલાકમાં 6 ઇંચ વરસાદ; રાજકોટ, ફલ્લા, સોરઠ અને ભાવનગરમાં પણ મેઘમહેર, દેવપરામાં જૂનું મકાન ધરાશાયી થતાં ચિંતા વધી
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાની સવારી યથાવત રહેતાં છેલ્લા 24 કલાક દરમિયાન અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ મોરબી જિલ્લાના વાંકાનેર તથા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં 7-7 ઇંચ નોંધાયો હતો, જ્યારે યાત્રાધામ વીરપુરમાં માત્ર 12 કલાકમાં 6 ઇંચ વરસાદ પડતાં શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. ભારે વરસાદના કારણે અનેક નદીઓ અને નાળાઓમાં નવા નીરની આવક થઈ છે, ડેમો ઓવરફ્લો થયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી જનજીવન પ્રભાવિત બન્યું છે. બીજી તરફ ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે, કારણ કે ખેતરોમાં ઉભા પાકને વરસાદથી જીવતદાન મળ્યું છે.
મોરબી જિલ્લામાં શુક્રવારે સવારથી શનિવારે સવાર સુધી સારો વરસાદ નોંધાયો હતો. વરસાદના આંકડાઓ મુજબ વાંકાનેરમાં સૌથી વધુ 7 ઇંચ, મોરબીમાં 4.50 ઇંચ, માળિયામાં 4 ઇંચ, હળવદમાં 2 ઇંચ તથા ટંકારામાં આશરે 1.75 ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદને કારણે જિલ્લાના 10 જેટલા ડેમોમાં નવા પાણીની આવક થઈ છે. બ્રાહ્મણી-2, ઘોડાધ્રોઈ, મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારો માટે સાવચેતી રાખવામાં આવી રહી છે.
વાંકાનેર શહેરમાં સાત ઇંચ વરસાદના કારણે નેશનલ હાઇવે, સર્વિસ રોડ તેમજ અનેક રહેણાંક સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા હતા. મોરબી શહેરના મહારાણા પ્રતાપ સર્કલ, હાઉસિંગ બોર્ડ વિસ્તાર, ઋષિકેશ વિદ્યાલય નજીકની સોસાયટીઓ અને કુબેરનગર વિસ્તારમાં ઘરો તથા દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. ગુરુવારે રાત્રે શરૂ થયેલો વરસાદ શુક્રવારે સવાર સુધી યથાવત રહેતાં કુલ 7 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદથી ભાદર નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને શહેરના ટાકુડીપરા, લાદી રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સૌરાષ્ટ્રના મહત્વના ભાદર ડેમમાં પણ અંદાજે ત્રણ ફૂટ જેટલા નવા પાણીની આવક થઈ હોવાનું જાણવા મળ્યું છે.
જેતપુર તાલુકાના અનેક ગામોમાં ત્રણથી છ ઇંચ વરસાદ નોંધાતા સુરવો ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં પહોંચી ગયો છે. વિરપુર નજીક વોંકળામાં એક કાર પાણીના પ્રવાહમાં તણાઈ જતાં કારને ભારે મહેનત બાદ બહાર કાઢવામાં આવી હતી, પરંતુ કાર ચાલકની શોધખોળ હજુ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.
યાત્રાધામ વીરપુરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર હાજરી નોંધાવી હતી. ગુરુવારે રાત્રે શરૂ થયેલા વરસાદે શુક્રવારે સવારે સુધીમાં આશરે 6 ઇંચ વરસાદ વરસાવ્યો હતો. ભારે વરસાદને કારણે મુખ્ય બજારો, શેરીઓ અને રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા. અનેક વિસ્તારોમાં વાહનવ્યવહાર ખોરવાયો હતો અને લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં ભારે મુશ્કેલી સર્જાઈ હતી.
વીરપુરના જલારામનગર રોડ, ખરાવાડ વિસ્તાર, રાધાકૃષ્ણ સોસાયટી અને અન્ય રહેણાંક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોને પાણી કાઢવાની ફરજ પડી હતી. થોરાળા, જેપુર, પીઠડીયા અને કાગવડ સહિતના ગામોમાં પણ ભારે વરસાદથી નાળા છલકાઈ ઉઠ્યા હતા. જોકે સવારે વરસાદ થંભતા ધીમે ધીમે પાણી ઓસરવા લાગ્યા હતા અને સ્થિતિ સામાન્ય બનવા લાગી હતી.
સોરઠ વિસ્તારમાં પણ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. ભેસાણમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે કેશોદમાં એક ઇંચ તથા જુનાગઢ, વંથલી અને વિસાવદરમાં પોણો-પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. મેંદરડા, માણાવદર, માળીયાહાટીના અને માંગરોળમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. હાલ ભારે બફારા વચ્ચે ફરી વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભાવનગર જિલ્લામાં પણ તમામ તાલુકાઓમાં અડધાથી બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. ગારીયાધારમાં 50 મીમી, સિહોરમાં 46 મીમી, પાલીતાણામાં 30 મીમી, ઉમરાળામાં 19 મીમી, વલ્લભીપુરમાં 18 મીમી, જેસરમાં 15 મીમી, મહુવામાં 12 મીમી, ભાવનગર શહેરમાં 11 મીમી, તળાજામાં 10 મીમી તથા ઘોઘામાં 7 મીમી વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
જામનગર જિલ્લાના ફલ્લા ગામમાં પણ મોડી રાત્રિથી શરૂ થયેલા વરસાદે સવાર સુધીમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસાવ્યો હતો. બીજી તરફ રાજકોટ શહેરમાં પણ આશરે દોઢ ઇંચ વરસાદ નોંધાતા અનેક માર્ગો પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.
આ દરમિયાન ગોંડલ તાલુકાના દેવપરા ગામમાં સતત વરસાદના કારણે એક જૂનું મકાન અચાનક ધરાશાયી થઈ ગયું હતું. મકાનનો કાટમાળ બાજુમાં ઉભેલી ઓટો રિક્ષા પર પડતાં તેને ભારે નુકસાન થયું હતું. સદનસીબે મકાનમાં કોઈ રહેતું ન હોવાથી જાનહાનિ ટળી હતી, પરંતુ મકાનનો અમુક ભાગ હજુ પણ જોખમી હાલતમાં હોવાથી સ્થાનિકોએ તંત્ર સમક્ષ આવા જર્જરિત મકાનો તાત્કાલિક દૂર કરવાની માંગ કરી છે.
સૌરાષ્ટ્રભરમાં વરસેલા આ વરસાદે એક તરફ શહેરોમાં પાણી ભરાવા, રસ્તાઓ પર અવરજવર ખોરવાવા અને લોકોને હાલાકીનો સામનો કરાવ્યો છે, તો બીજી તરફ નદીઓ, ડેમો અને જળાશયો નવા નીરથી છલકાઈ ઉઠતાં ખેડૂતોમાં ખુશીની લાગણી વ્યાપી છે. આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર સતત સતર્ક બન્યું છે.
વાંકાનેર બન્યું વરસાદનું કેન્દ્ર
વાંકાનેરમાં 24 કલાકમાં 7 ઇંચ વરસાદ.
નેશનલ હાઇવે અને સર્વિસ રોડ પાણીમાં ગરકાવ.
અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા.
મચ્છુ-2, મચ્છુ-3, બ્રાહ્મણી-2 અને ઘોડાધ્રોઈ ડેમ ઓવરફ્લો.
જેતપુર-વીરપુરમાં વરસાદે મચાવી ધમાલ
જેતપુરમાં 7 ઇંચ વરસાદથી ભાદર નદીમાં પૂર જેવી સ્થિતિ.
સુરવો ડેમ ઓવરફ્લોની તૈયારીમાં.
વીરપુરમાં માત્ર 12 કલાકમાં 6 ઇંચ વરસાદ.
શેરીઓ-રસ્તાઓ નદીમાં ફેરવાયા, અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા.
વિરપુર નજીક પાણીમાં તણાયેલી કારના ચાલકની શોધખોળ ચાલુ.
દેવપરામાં જૂનું મકાન ધરાશાયી, જાનહાનિ ટળી
ગોંડલના દેવપરામાં વરસાદથી જૂનું મકાન તૂટી પડતાં નીચે ઉભેલી ઓટો રિક્ષાને ભારે નુકસાન થયું છે.
મકાનનો ભાગ હજુ પણ જોખમી હાલતમાં છે. સ્થાનિકો દ્વારા જર્જરિત મકાનો દૂર કરવાની તંત્ર પાસે માંગ કરાઇ છે.
ખેડૂતો માટે રાહતના સમાચાર
સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમોમાં નવા નીરની આવક.
ભાદર ડેમમાં અંદાજે 3 ફૂટ પાણીની આવક.
નદીઓ અને નાળાઓ બે કાંઠે વહેતા થયા.
ખેતરોમાં ઉભા પાકને જીવતદાન મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ.
થાનગઢમાં 7, ભેંસાણમાં 4 ઇંચ વરસાદ
સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે અને અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધીમીથી મધ્યમ બેટિંગ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં સૌથી વધુ 7 ઇંચ અને ભેંસાણમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. જામનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી સહિતના જિલ્લાઓમાં પણ સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન અડધાથી 4 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો, જ્યારે સમગ્ર જિલ્લામાં કુલ 245 મીમી વરસાદ નોંધાયો છે. જોકે હજુ પણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક અને ભારે વરસાદની રાહ જોવાઈ રહી છે.
કચ્છમાં આખરે મેઘમહેર: રાપરમાં ૫ અને ભચાઉમાં ૪ ઇંચ વરસાદ
ભુજ: લાંબી રાહ બાદ આખરે કચ્છમાં સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતો અને પશુપાલકોમાં રાહતની લાગણી ફેલાઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં રાપરમાં સૌથી વધુ ૫ ઇંચ અને ભચાઉમાં ૪ ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત ભુજ અને અબડાસામાં ૩ ઇંચ, જ્યારે ગાંધીધામ, મુન્દ્રા, અંજાર, લખપત અને નખત્રાણામાં ૨ ઇંચ તથા માંડવીમાં ૧ ઇંચ વરસાદ પડ્યો છે. વરસાદથી ઘાસચારાની સમસ્યા હળવી બનવાની આશા જાગી છે. જોકે વાગડ વિસ્તાર સિવાયના અન્ય તાલુકાના ખેડૂતો હજુ વધુ વરસાદની રાહ જોઈ રહ્યા છે.
મચ્છુ-3 ડેમના 8 દરવાજા 3 ફૂટ ખોલાયા, 21 ગામોને એલર્ટ
મોરબીના જુના સાદુળકા નજીક આવેલા મચ્છુ-3 ડેમમાં સતત પાણીની આવકને પગલે શનિવારે સવારે 8:30 વાગ્યે ડેમના 8 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાં 20,088 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને એટલું જ પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તંત્રે ડેમના નીચાણવાસમાં આવેલા મોરબી અને માળિયા (મિયાણા) તાલુકાના કુલ 21 ગામોના લોકોને એલર્ટ કરી નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપી છે. જિલ્લા કલેક્ટર, પોલીસ અને સંબંધિત વિભાગોને પણ પરિસ્થિતિ અંગે જાણ કરી જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
ભાદર-1માં 4 ફૂટ, ફોફળમાં 8 ફૂટ સહિત સૌરાષ્ટ્રના 34 ડેમોમાં નવા નીર, શેત્રુંજી ફરી ઓવરફ્લો
સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા વ્યાપક વરસાદથી જળાશયોમાં નવા નીરની નોંધપાત્ર આવક થતા ખેડૂતો અને નાગરિકોમાં ખુશીની લાગણી વ્યાપી છે. રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર અને અમરેલી સહિત કુલ 34 ડેમોમાં 0.5થી 21.65 ફૂટ સુધી નવા પાણીની આવક નોંધાઈ છે, જ્યારે ભાવનગર જિલ્લાના પાલીતાણા નજીક આવેલો શેત્રુંજી ડેમ ફરી ઓવરફ્લો થતા તેના તમામ 59 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું છે અને નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
રાજકોટ જિલ્લાના 27 પૈકી 15 ડેમોમાં નવા નીરની આવક થઈ છે. ભાદર-1માં 4 ફૂટ, ફોફળમાં 8.63 ફૂટ, આજી-3માં 5 ફૂટ, સુરવોમાં 4.5 ફૂટ, ભાદર-2માં 6.5 ફૂટ અને છાપરવાડીમાં સૌથી વધુ 16.40 ફૂટ પાણી નોંધાયું છે. મોરબી જિલ્લાના મચ્છુ-2માં 11.5 ફૂટ, ઘોડાધ્રોઈમાં 8.69 ફૂટ અને બ્રાહ્મણીમાં 7.41 ફૂટ નવા પાણી આવ્યા છે. જામનગર જિલ્લામાં ફોફળ-2માં 7 ફૂટ જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સબુરી ડેમમાં સૌથી વધુ 21.65 ફૂટ નવા નીરની આવક નોંધાઈ છે. અમરેલીના સાકરોલી ડેમમાં પણ 10.5 ફૂટ પાણી આવતા જળસંગ્રહની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. સતત વરસાદના કારણે આગામી દિવસોમાં ડેમોની સપાટીમાં વધુ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.


